કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે હરિયાણાના રેવાડી ખાતે સભા સંબોધી હતી અને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે કહ્યું હતું કે ભાજપ જ રાજ્યમાં વિકાસ કરાવી શકે છે. બાકીની બધી પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે માટે તે પ્રજાના કોઈ કામ કરી શકે એમ જ નથી.
ખેડૂતો માટે વારંવાર નિવેદન કરતાં રાહુલ ગાંધીને અમિત શાહે એવો સવાલ કર્યો હતો કે એમએસપીનું આખું નામ આવડે છે ? એમણે કહ્યું કે હરિયાણામાં ભાજપ સરકાર એમએસપી પર 24 પાક ખરીદી રહી છે. એમણે ભ્રષ્ટાચાર અને અનામતના મુદ્દે કોંગ્રેસ પર હુમલા કર્યા હતા.
શાહે કહ્યું કે કેટલાક એનજીઓ દ્વારા રાહુલ બાબાને એવી સલાહ અપાઈ છે કે એમએસપીના નામે કોંગ્રેસને મત મળશે. પણ શું રાહુલને એમએસપીનું આખું નામ ખબર છે ? કયો પાક રવિનો હોય અને કયો પાક ખરીફનો હોય તેની જાણકારી છે ?
શાહે કોંગ્રેસને એવો સવાલ કર્યો હતો કે કઈ કોંગ્રેસ સરકારે આજ સુધી 24 પાક એમએસપી પર ખરીદ કર્યા છે ? કર્ણાટક અને તેલંગણા જેવા રાજ્યોમાં કેટલા પાક એમએસપી પર ખરીદાઈ રહ્યા છે ? કોંગ્રેસના રાજમા એમએસપી 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી અને આજે 2300 રૂપિયા છે.