ખડગેએ સિતારમનને માતાજી કહ્યા અધ્યક્ષે કહ્યું,” તમારી પુત્રી જેવડા છે”
લોકસભા અને રાજ્યસભામાં અનેરા દ્રશ્યો સર્જાયા
જ્યા બચ્ચન અને અભિજીત બેનર્જીની ધનખડ અને ઓમ બિરલા સાથે ટપાટપી
લોકસભા અને રાજ્યસભામાં બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષોએ આક્રમક વલણ અપનાવ્યું હતું.એ દરમિયાન ગૃહમાં અનેક રસપ્રદ ઘટનાઓ બની હતી.વિપક્ષના સભ્યોએ બન્ને ગૃહના અધ્યક્ષો પક્ષપાતભર્યું વલણ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા હતા.
રાજ્ય સભામાં બજેટ ઉપરની ચર્ચા દરમિયાન બુધવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નાણામંત્રી નિર્મલા સીતારામનને ‘ માતાજી ‘ કહેતા ગૃહમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું.ખડગેએ પોતાના ભાષણમાં બજેટની ટીકા કરતા કહ્યું કે આ ખુરશી બચાવો બજેટ છે.તેમાં બે રાજ્યોની થાળીમાંતો સમોસા અને જલેબી છે પણ બાકીના રાજ્યોની થાળી ખાલી છે. તેમણે કહ્યું કે નાણામંત્રી મારા રાજ્ય કર્ણાટકમાંથી ચૂંટાયા છે છતાં તેમણે કર્ણાટકને કાંઈ આપ્યું નથી.ઈન્ડીયા ગઠબંધન આ બજેટનો વિરોધ કરે છે.પછી તેમણે કહ્યું કે હું આ વાત કહી દઉં છે કારણ કે ‘ માતાજી ‘ તો બોલવામાં ખૂબ હોશિયાર છે.તેમનું આ વક્તવ્ય સાંભળી અધ્યક્ષ જગદીશ ધનખડે કહ્યું કે સીતારામન તો તમારી પુત્રી જેવડા છે.આ સંવાદોએ રાજ્યસભામાં હાસ્યનું હુલ્લડ સર્જ્યું હતું.ખુદ સિતારમન અને વિદેશમંત્રી જયશંકર પણ હસી પડ્યા હતા.જો કે બાદમાં નાણામંત્રી જવાબ દેવા ઊભા થયા ત્યારે વિપક્ષના સભ્યો ગૃહની બહાર ચાલ્યા ગયા હતા.
રાજ્યસભામાં જ્યાં બચ્ચન બોલવા ઉભા થયા ત્યારે ભાજપના સભ્યોએ દેકારો શરૂ કરી દીધો હતો.ત્યારે જ્યા બચ્ચને કહ્યું કે હું આશ્ચર્ય અને મૂંઝવણ અનુભવું છું.સંબંધિત મંત્રી ને બદલે આ બધા કેમ જવાબ આપે છે? પછી તેમણે અધ્યક્ષ જગદીશ ધનખડને કહ્યું કે તમે એમને તો બહુ ટોકો છો તો પછી આ લોકોને કેમ કાંઈ કહેતા નથી? મને તમારા તરફથી આવી આશા નહોતી. જવાબમાં અધ્યક્ષે કહ્યું કે હું તો બંને સાઈડને ટોંકુ છું પણ વિપક્ષોને કહું તે ધ્યાનમાં આવે છે અને સતાધારી પક્ષને કહું તે ધ્યાનમાં નથી આવતું. અધ્યક્ષે એ ખુલાસો તો કર્યો પણ જયા બચ્ચન માનવા તૈયાર નહોતા. તેમણે અધ્યક્ષને કહ્યું કે બહુ સીધી વાત છે. તમે ભાજપને ટોકો છો એ ધ્યાનમાં નથી આવતું કારણ કે તમે ટોકતા જ નથી.
અભિજીતે ઓમ બિરલા ને કહ્યું, “ત્યારે તમે કેમ ચુપ રહ્યા હતા?”
ટીએમસીના સાંસદ અભિજીત બેનર્જીએ પોતાના ભાષણમાં નોટબંધીનો ઉલ્લેખ કર્યો ત્યારે લોકસભાના અધ્યક્ષ કહ્યું કે 2016 પછી તો 2019 ની ચૂંટણી પણ આવી ગઈ. તમે ચાલુ બજેટ ઉપર વાત કરો. ત્યારે અભિજીત બેનર્જીએ રોકડું પરખાવતા ઓમ બીરલા ને ટોણો માર્યો કે અહીં 60- 70 વર્ષ પહેલાંની નહેરુની વાતો થાય છે ત્યારે તમે કેમ ચૂપ રહો છો? 50 વર્ષ પહેલાંની ઇમરજન્સી ની વાત થાય છે ત્યારે તમે કેમ ચૂપ રહો છો? અને હું પાંચ વર્ષ પહેલાની જ વાત કરું છું ત્યારે તમે મને વર્તમાનની વાત કરવાની સલાહ આપો છો? તેમણે કહ્યું,” અધ્યક્ષજી, હવે આવું નહિ ચાલે”