IPL 2025 : આજે હૈદરાબાદે અને લખનૌ વચ્ચે મુકાબલો : મેચમાં “હાઈસ્કોર”થી જ માનતા SRHને રોકવાનો LSG સામે પડકાર
આઈપીએલ-18ની અત્યાર સુધીની દરેક મેચ રોમાંચક રહી છે તેમાં પણ ખાસ કરીને હૈદરાબાદે રાજસ્થાન સામે જે પ્રમાણે 286 રન ઝૂડ્યા હતા તે કોઈ ભૂલી શક્યું નથી. એકંદરે દરેક ટીમ પોતાની એક-એક લીગ મેચ રમી ચૂકી છે ત્યારે દરેક મેચને `હાઈસ્કોરિંગ’ બનાવવામાં જ માનતી સનરાઈઝર્સ હૈદરાબાદ આજે લખનૌ સુપરજાયન્ટસ સામે હૈદરાબાદમાં જ ટકરાશે જ્યાં તેણે રનનો પહાડ ખડક્યો હતો. હૈદરાબાદ રાજસ્થાન સામે જીતીને તો લખનૌ દિલ્હી સામે 209 રન બનાવ્યા બાદ પણ હારીને આજની મેચમાં ઉતરશે.
બન્ને ટીમે એકબીજા વિરુદ્ધ ચાર મેચ રમી છે જેમાં હૈદરાબાદનો દબદબો રહ્યો છે. હૈદરાબાદે ત્રણ મેચ તો લખનૌ એક જ મેચ જીતી શકી છે. બન્ને વચ્ચે જ્યારે છેલ્લી મેચ રમાઈ હતી ત્યારે હૈદરાબાદે લખનૌને દસ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે અવિશ્વસનીય બેટિંગ કરતાં માત્ર 9.4 ઓવરમાં જ 167 બનાવ્યા હતા.
રાજસ્થાન સામે જે પ્રમાણે ટ્રેવિસ હેડ, હેનરીક ક્લાસેન ઉપરાંત ઈશાન કિશન, નીતિશકુમાર રેડ્ડી સહિતના બેટરોએ બેટિંગ કરી હતી તેને જોતાં લખનૌ સુપરજાયન્ટસના બોલરોનું ટેન્શન વધી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વળી, આ ટીમમાં પેટ કમિન્સ, મોહમ્મદ શમી સહિતના ફાસ્ટ બોલરો પણ લખનૌ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
લખનૌ ટીમ વતી કેપ્ટન ઋષભ પંતનું પ્રદર્શન મહત્ત્વનું બની રહેશે કેમ કે પાછલી મેચમાં તે ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. આ ઉપરાંત તેના ફાસ્ટ-સ્પીનરોએ પણ જાળવી જાળવીને બોલિંગ કરવી પડશે.