હિઝબુલ્લાહે શું કર્યું ? ઇઝરાયલમાં કેવી કરી નુકસાની ? જુઓ
લેબનોનમાં પેજર અને વોકી-ટોકી વિસ્ફોટોથી ખરાબ રીતે બરબાદ થયેલું હિઝબુલ્લાહ ઈઝરાયેલથી બદલો લેવા તત્પર છે. તેણે રવિવારે સવારે તેના પર એક પછી એક ઝડપી રોકેટ હુમલા કર્યા હતા. આ શિયા મિલિશિયાએ વહેલી સવારે યહૂદી દેશ પર 300 થી વધુ રોકેટ છોડ્યા હતા. જેમાંથી માત્ર અડધા કલાકમાં ઈઝરાયેલ પર 85 રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈજરાયલમાં અનેક સ્થળો પર આગ ફાટી નીકળી હતી. ઉત્તર ઇઝરાયલમાં તરત જ કર્ફ્યૂ લાદી દેવાયો હતો.
હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ પર કુલ 11 હુમલા કર્યા. તેમાંથી 6 મોટા હુમલા હતા, જેમાં એક સાથે 10 થી 100 રોકેટ છોડવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના રોકેટ હાઈફા અને નાહરિયા શહેરના નજીકના વિસ્તારો પર છોડવામાં આવ્યા હતા. જો કે ઇઝરાયેલની સેનાએ આમાંથી મોટાભાગના રોકેટને તોડી પાડ્યા હતા, પરંતુ કેટલાક રોકેટ ઉત્તરી ઇઝરાયેલના વિસ્તારમાં પડ્યા હતા.
ઇઝરાયેલી સૈન્ય અનુસાર, સવારે 6:24 થી 6:32 અને સવારે 6:52 અને 07:00 વચ્ચે, ઉત્તર ઇઝરાયેલમાં લેબનોનથી અસ્ત્રો આવતા જોવા મળ્યા હતા. આ પછી તરત જ, ઇઝરાયલી એર ડિફેન્સ સક્રિય થઈ ગયું અને સાયરન વાગવા લાગ્યું. આમાંથી કેટલાક રોકેટ ઇઝરાયલી હવાઈ સંરક્ષણ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ અન્ય કિરયાત બિયાલિક, ત્સુર શાલોમ અને મોરેશેટના વિસ્તારોમાં પડ્યા હતા.
ઉત્તર ઇઝરાયેલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
હિઝબુલ્લાહના આ હુમલાઓને જોતા ઈઝરાયેલે ઉત્તરી ઈઝરાયેલના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે. અહીંની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધી હોમ ફ્રન્ટ ડિફેન્સિવ ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.