ભારતના કડક વલણથી પાડોશી દેશમાં પાણી વગર હાહાકાર: આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે લગાવી ગુહાર
આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને આશ્રય આપનાર દેશોને હવે પોતાના જ નિર્ણયોના માઠા પરિણામો ભોગવવાનો સમય આવી ગયો છે. ભારત સરકારે આતંકવાદ સામે અપનાવેલા શૂન્ય સહનશીલતા (Zero Tolerance) ના નીતિએ પાડોશી દેશ પાકિસ્તાનની કમર તોડી નાખી છે, જેના કારણે હવે પાકિસ્તાન પાણી માટે વૈશ્વિક મંચો પર કરગરવા મજબૂર બન્યું છે.
સિંધુ જળ સંધિ સ્થગિત થતાં સર્જાયું જળ સંકટ
ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાનમાં પાણીની ભયંકર અછત સર્જાઈ છે. અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ સેમિનારમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સ્વીકાર્યું છે કે સિંધુ નદી પ્રણાલી તેમના દેશના 25 કરોડથી વધુ લોકોની જીવનરેખા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે મધ્યસ્થતા કરવા આજીજી કરી છે.
પહલગામ આતંકી હુમલા અને ભારતનું ‘લોહી-પાણી’ સૂત્ર
એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા અત્યંત નિંદનીય આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ સરહદ પારના આતંકવાદ સામે લાલ આંખ કરીને ભારતે “લોહી અને પાણી ક્યારેય એકસાથે વહી શકે નહીં” તેવું સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. નવી દિલ્હીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી નેટવર્કનો ખાતમો નહીં કરે, ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરવાનો સવાલ જ ઊભો થતો નથી.
આ પણ વાંચો: ફેડરલ રિઝર્વના એક નિવેદનથી સોના-ચાંદી બજારમાં ભૂકંપ: સોનું 4000, ચાંદી 9000 સસ્તી થઈ!
પાકિસ્તાનમાં આર્થિક અને કૃષિ ક્ષેત્રે કટોકટી
પાકિસ્તાનનો મોટો આધાર કૃષિ, ખાદ્ય સુરક્ષા અને વીજ ઉત્પાદન પર છે, જે સંપૂર્ણપણે સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. ગ્લોબલ વોર્મિંગ અને દુષ્કાળના પ્રકોપ વચ્ચે પાણીની તંગીના કારણે પાકિસ્તાન ગંભીર આર્થિક અને અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યું છે. એક તરફ તે પાણી માટે વિનંતી કરી રહ્યું છે, તો બીજી તરફ જો સંધિ પૂર્વવત્ ન થાય તો દક્ષિણ એશિયાની શાંતિ જોખમાવાની ધમકીઓ પણ આપી રહ્યું છે.
પાકિસ્તાનની લાખ કોશિશો અને આંતરરાષ્ટ્રીય અપીલો છતાં ભારત પોતાના મક્કમ નિર્ણય પર અડગ છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દે ભારત કોઈપણ પ્રકારની નમતું જોખવાના મૂડમાં નથી, જે સાબિત કરે છે કે ભારત હવે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવામાં પીછેહઠ કરતું નથી.
