કુદરતી આપત્તિ વચ્ચે ગુજરાતના પરિવારો પર આભ તૂટ્યું: વિદેશી નાગરિકત્વ ધરાવતા પ્રવાસીઓ પણ લાપતા
પડોશી દેશ નેપાળમાં સર્જાયેલી વિનાશક જળપ્રલયની હોનારતે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ ભારતમાં પણ ભારે હાહાકાર મચાવી દીધો છે. કૈલાશ માનસરોવર યાત્રા અને પ્રવાસે ગયેલા સેંકડો ભારતીયો સાથે ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાતા પરિવારજનોની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે.
નેપાળ-તિબેટ સરહદે સર્જાયો જળપ્રલય અને ગુજરાતીઓ લાપતા
નેપાળ-તિબેટ સરહદે અચાનક ગ્લેશિયર ફાટવા અને પૂરના પ્રકોપના કારણે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ૧૫૦થી વધુ ભારતીયો સંપર્કવિહોણા બન્યા છે. આ આફતમાં ગુજરાતના વધુ ૮ પ્રવાસીઓ ગુમ થતાં કુલ લાપતા ગુજરાતીઓનો આંકડો વધીને ૨૪ પર પહોંચી ગયો છે. ચીન-તિબેટ સરહદે ઈમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી તે જ સમયે નદીઓમાં પૂર આવવાથી ઈમિગ્રેશન સેન્ટર તબાહ થઈ ગયું છે અને અનેક લોકો તણાયા હોવાની આશંકા છે.
NRI ગુજરાતીઓ પણ સામેલ, પરિવારોમાં ચિંતા
વધુ ગુમ થયેલા ગુજરાતીઓની યાદી
દિનેશ પટેલ, અમરેલી (અમેરિકા)
શિલ્પાબહેન પટેલ, આણંદ-ખેડા (અમેરિકા)
કામતાપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસબાપુ, જાફરાબાદ
પદ્માબહેન પટેલ, કેનેડા
જગદીશ પટેલ, આણંદ (કેનેડા)
બીનાબહેન પરીખ, અમદાવાદ(અમેરિકા)
પૂનમ ઠક્કર, અમદાવાદ (અમેરિકા)
ભાવિકા રામજી, સુરત (સાઉથ આફ્રિકા)
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ ટીમ પર જીવલેણ હુમલો: આરોપીઓએ મહિલા અધિકારીને રૂમમાં પૂરીને ભર્યા બચકા
વલસાડના રોમા ઈંટવાળા સુરક્ષિત, સરકાર એક્શન મોડમાં
આ ભયાનક સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વલસાડના રોમાબહેન ઈંટવાળા સંપૂર્ણ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. વહીવટી તંત્ર દ્વારા તેમની ભાળ મેળવી લેવામાં આવી છે. બીજી તરફ, રાજ્ય સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના માધ્યમથી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે, જેથી ફસાયેલા ગુજરાતીઓને એરલિફ્ટ કરી સુરક્ષિત પરત લાવી શકાય.
યાત્રાના રૂટ અને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ
પૂરના કારણે સરહદી વિસ્તારોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈમિગ્રેશન ઓફિસ તણાઈ જવાથી આગામી સમયમાં કૈલાશ માનસરોવર યાત્રાના આયોજન સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. હાલ પૂરગ્રસ્ત રૂટ બંધ હોવાને કારણે પરત ફરવા માટે યાત્રાળુઓએ ૪૦૦ કિલોમીટરનું વધારાનું અંતર કાપીને કાઠમંડુ પહોંચવું પડે તેવી કપરી સ્થિતિ સર્જાઈ છે, જેના માટે તેઓ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે.
કુદરતના આ રૌદ્ર સ્વરૂપે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહેલા બચાવ અને રાહત અભિયાનથી લાપતા થયેલા તમામ નાગરિકો હેમખેમ પોતાના વતન પરત ફરે એવી સૌકોઈ આશા રાખી રહ્યા છે.
