નાણાકીય વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 4.62 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં 9.81 ટકાનો વધારો થયો હતો. આંકડાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે 16 જૂન સુધી કુલ ટેક્સ કલેક્શનમાં કંપની ટેક્સનો હિસ્સો રૂ. 1.81 લાખ કરોડ હતો અને વ્યક્તિગત આવકવેરાનો હિસ્સો રૂ. 2.69 લાખ કરોડ હતો.
અધિકારીએ કહ્યું કે આમાં એડવાન્સ ટેક્સ કલેક્શનનો પણ સમાવેશ થાય છે, જે અંદાજે રૂ. 1.48 લાખ કરોડ હતો. એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો જમા કરાવવાની છેલ્લી તારીખ 15 જૂન હતી. પરંતુ કરદાતાઓને અપાયેલા ચોખ્ખા રિફંડને બાદ કર્યા પછી, 16 જૂન સુધી કર વસૂલાત ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારના કર આવકના અંદાજ કરતાં ઓછી રહી છે. સરકારે વચગાળાના બજેટમાં કંપની અને વ્યક્તિગત આવકવેરામાં 13-13 ટકાના વધારાનો અંદાજ મૂક્યો હતો.
અધિકારીએ કહ્યું, ‘આ આંકડા કામચલાઉ છે અને 16 જૂન સુધી કરવામાં આવેલી ચૂકવણીનો સંદર્ભ આપે છે.’ તેમણે કહ્યું કે અંતિમ આંકડા અલગ હોઈ શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે બે દિવસની રજાઓ પછી મંગળવારે બેંકો ખૂલી છે ત્યારે આંકડો ઊંચો થઈ જવો જોઈએ. 16 જૂન સુધી કુલ ટેક્સ કલેક્શન રૂ. 5.15 લાખ કરોડ હતું. આવકવેરા વિભાગે 16 જૂન સુધી 53,140 કરોડ રૂપિયા રિફંડ કર્યા હતા.
અન્ય એક અધિકારીએ કહ્યું, ‘પ્રારંભિક આંકડાઓ કહે છે કે જૂન ક્વાર્ટરમાં ટેક્સ કલેક્શન સારું રહ્યું છે. અન્ય ટેક્સમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રૂ. 11,605 કરોડ હતો અને ઇક્વલાઇઝેશન લેવી રૂ. 698 કરોડ હતી. નાણાકીય વર્ષ 2025માં સરકાર પ્રત્યક્ષ કરમાંથી 21.99 લાખ કરોડ રૂપિયાની તિજોરીમાં આવવાની અપેક્ષા રાખી રહી છે.