બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
રાજકોટમાં ફરવા જવાની વાત આવે એટલે સૌથી પહેલા રેસકોર્સનું નામ સામે આવે છે. અહીંયા બાળકોને ખાવા-પીવા અને મેળામાં બેસવાથી લઈને દરેક વસ્તુઓનો આનંદ મળે છે.

અહીંયા બાળકોને અલગ અલગ રાઈડમાં બેસવાનો આનંદ, બગીચામાં રમવાની મજા અને ખાવા-પીવાના જલસા કરવા મળે છે. ત્યારે રાજકોટના નાના બાળકથી લઈ મોટેરા સુધીના સૌથી પ્રિય સ્થળ એવા રેસકોર્સની હાલત દિવસેને દિવસે દયનીય થઈ રહી છે.
આ પણ વાંચો : સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG

મહાપાલિકાના તંત્રવાહકોનું ઉદાસીન વલણ હરવા-ફરવા માટેના આ સ્થળની દૂર્દશા માટે જવાબદાર છે. હવે તો સ્થિતિ એવી છે કે ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ કે જ્યાં કસરત કરવા માટે સાધનો મુકવામાં આવ્યા છે ત્યાં અમુક સાધનોમાંથી બેરિંગ સહિતના પાર્ટસ ગાયબ થઈ ગયા છે તો અમુક સાધનમાંથી બેસવા માટેની સીટ ગાયબ થઈ ગઈ છે.

આવી જ કંઈક સ્થિતિ રિંગરોડ પર આવેલા ગ્રાઉન્ડ પર છે જ્યાં બેસવા માટેના બાકડા ગૂમ થયેલા જોવા મળ્યા છે. વળી, આ જ ગ્રાઉન્ડમાં કચરાપેટી તેની મુળ જગ્યાએથી ખસી દૂર જતી રહી છે. આટલી સમસ્યા હોવા છતાં હજુ સુધી તંત્રના એક પણ અધિકારી કે પદાધિકારીનું ધ્યાન આ દિશામાં ગયું નથી તે આ શહેરીજનોનું દૂર્ભાગ્ય ગણાશે…!
