કાશ્મીરમાં કેટલા આતંકીઓના ઘરનો નાશ થયો ? કેટલા દરોડા પડ્યા ? વાંચો
પહલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ તેમજ તેમના તંત્રનો નાશ કરવા માટે ચારેતરફથી પ્રહાર કરવાનું ચાલુ જ રાખ્યું છે . આતંકવાદીઓના ઘરને તોડી પાડવાની સાથે તમામ પૂર્વ આતંકવાદીઓ તેમના તેમના ઓવરગ્રાઉન્ડ વર્કરોને ચિહ્નિત કરીને પૂછપરછ કરી તેમના ઘરની તપાસ કરવામાં આવી રહી છે. ઘરોની ચકાસણી દરમિયાન કેટલાક હથિયાર અને દસ્તાવેજ પણ મળ્યા છે .
ફક્ત શ્રીનગરમાં જ 64 આતંકવાદી તેમજ ઓવરગ્રાઉન્ડ વર્કર્સના ઠેકાણાની તપાસ કરવામાં આવી છે. અનંતનાગમાં 188 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ 3 આતંકીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 9 આતંકીઓના ઘરનો નાશ કરી દેવાયો છે .
જોકે, કાશ્મીરના અન્ય ભાગોમાં લગભગ 2500 લોકોને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેલમાં બંધ 24થી વધુ આતંકવાદી અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વિભિન્ન વિસ્તારમાં વિશેષ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે. આ ચેકપોસ્ટ પર જ આતંકવાદીઓના છ મદદગારો હથિયારો સાથે પકડવામાં આવ્યા હતા.
કુપવાડામાં લશ્કર આતંકવાદી ફારૂક સહિત બે આતંકવાદીઓના મકાન તોડી પાડવામાં આવ્યા હતા. સાંજે શોપિયાંના જૈનાપોરામાં ટીઆરએફના આતંકવાદી અદનાન શફી ડારનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું. ગત ચોવીસ કલાકમાં સુરક્ષાદળોએ વાદીમાં નવ આતંકવાદીઓના મકાન વિસ્ફોટકથી તોડી પાડ્યા છે.