સોનું ઓલટાઈમ હાઈ : 92,000ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ.1000નો ઉછાળો ; જાણો ક્યાં પરિબળોથી આવ્યો તેજીનો ટ્રેન્ડ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો ટેરિફની જાહેરાત બાદ સોનામાં વૈશ્વિક ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સ્તરે સોનાએ રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ આજે સ્થાનિક બજારમાં પણ સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત આજે વધુ રૂ.500 ઉછળી નવી રૂ. 92,000 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. ચાંદી પણ લાખેણી થયા બાદ આજે વધુ રૂ. 1000 વધી રૂ. 101000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.
વૈશ્વિક સોનું પણ આજે 3086.21 ડોલર પ્રતિ ટોચે પોહંચ્યું હતું. ઓટો પર 25 ટકા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે ઈક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી વચ્ચે ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના માહોલમાં સેફહેવન રોકાણ ઉભરી આવે છે. છેલ્લા ત્રણ માસમાં સોનું 16.90 ટકા અને ચાંદી 16.90 ટકા વધી છે.