રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી હવે હોમ લોન બિઝનેસની તૈયારી કરી રહ્યા છે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની જિયો ફાયનાન્સ લિમિટેડે એવી જાહેરાત કરી હતી કે તે હોમ લોન સેવાઓ શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે. તેને ટ્રાયલ બેસિસ (બીટા) પર લોન્ચ કરવામાં આવ્યું છે, આ સિવાય કંપની પ્રોપર્ટી સામે લોન અને સિક્યોરિટીઝ સામે લોન જેવી અન્ય પ્રોડક્ટ્સ પણ રજૂ કરવા જઈ રહી છે.
હોમ લોન માર્કેટમાં પ્રવેશ કરીને, અંબાણી એચડીએફસી, ટાટા જેવા જૂથો સાથે સીધી સ્પર્ધા કરશે. સાથે જ એ જોવાનું રહેશે કે કંપની આ માટે કઈ રણનીતિ બનાવે છે. જો તે જિયો જેવી આક્રમક વ્યૂહરચના બનાવે છે, તો આ વખતે મોટો હલચલ જોવા મળી શકે છે.
આ ઉત્પાદનો આવશે
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હિતેશ સેઠિયાએ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા (પોસ્ટ-લિસ્ટિંગ)માં શેરધારકોને સંબોધતા જણાવ્યું હતું કે અમે હોમ લોન લોન્ચ કરવાના અંતિમ તબક્કામાં છીએ, જે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી . છે. પ્રોપર્ટી સામે લોન અને સિક્યોરિટીઝ સામે લોન જેવી અન્ય પ્રોડક્ટ પણ પાઇપલાઇનમાં છે.
તેમણે જણાવ્યું હતું કે જિયો ફાઇનાન્સ લિમિટેડે પહેલેથી જ બજારમાં સુરક્ષિત લોન પ્રોડક્ટ્સ રજૂ કરી છે જેમ કે સપ્લાય ચેઇન ફંડિંગ, મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન અને ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ માટે એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ.
અગાઉ, એજીએમ દરમિયાન, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પણ જિયો વપરાશકર્તાઓ માટે 100 જીબી સુધી મફત ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.