દોસ્ત બના દુશ્મન !! પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામે શું વાંધો પડ્યો ? હજુ કેટલા દુશ્મન બનાવશે પાકિસ્તાન ? વાંચો વિગતવાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તો એક સમયના કરીબી દોસ્ત હતા અને હવે એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે બોલો! 2021 માં તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારથી આ પડોશીઓ વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા છે. બંને દેશો વચ્ચેનો પ્રથમ ભડાકો ગયા મહીને ડીસેમ્બરમાં થયો, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના અમુક પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 46 નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા પછી બંને દેશો કટ્ટર દુશ્મન બની ગયા છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પણ લાંબા સમય માટે તણાવપૂર્ણ રહેશે એ નક્કી છે. તાલીબાન શાસિત અફઘાનિસ્તાન ચુપ નહિ બેસી રહે.
પક્તિકામાં શું થયું?
24 ડિસેમ્બરના પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનીસ્તાના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લાને નિશાન બનાવવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે આ હુમલા પછી ઈસ્લામાબાદે ન તો આ હુમલાની પુષ્ટિ કરી કે ન તો નકારી કાઢી. પાકિસ્તાનની આ જૂની આદત છે. મુશર્રફે કારગીલ યુદ્ધની શરૂઆત પણ આ જ રીતે કરી હતી કે – ‘અમને તો કઈ ખબર નથી.’ અફઘાનિસ્તાન ઉપરના હુમલા પછી એક પાકિસ્તાની અધિકારીએ દાવો કર્યો કે તેના લશ્કરે તો “આતંકવાદી ઠેકાણાઓ” ને નિશાન બનાવ્યા જેમાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના 20 આતંકવાદીઓ માર્યા ગયા. જો કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે હુમલાઓને “બર્બર” અને “આક્રમક” ગણાવીને વખોડી કાઢ્યો અને બદલો લેવાની ચેતવણી આપી.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાના વિરોધમાં પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવ્યા અને ભાર મૂક્યો કે તેમનાં પ્રાદેશિક સાર્વભૌમત્વ ઉપર હુમલો કરવો એ જાણે યુદ્ધ છેડવા સમાન છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પણ જાહેર કર્યું કે અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે તાલીબાન સરકાર કોઈ પણ હદે જઈ શકે છે.
આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. પાકિસ્તાને તાલિબાન પર ટીટીપીને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે, જે પાકિસ્તાની સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓ માટે જવાબદાર જૂથ ગણાય છે. એકલા 2023 માં, પાકિસ્તાનમાં 650 થી વધુ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે સરકારી અધિકારીઓ અને લશ્કરી અધિકારીઓ હતા. આમાંના ઘણા હુમલા ટીટીપી જુથે જ કરાવ્યા હતા એવું પાકિસ્તાનનું કહેવું છે.
જો કે, તાલિબાન આતંકવાદીઓને આશ્રય આપવા અથવા સીમાપાર હુમલાને મંજૂરી આપવાનો ઇનકાર કરે છે. આ ઇનકાર છતાં, સરહદ પરની અથડામણો સામાન્ય બની ગઈ છે. ઉદાહરણ તરીકે, પાકિસ્તાને થોડા સમય માટે તોરખામ સરહદ બંધ કરી દીધી, જે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ છે, જેના કારણે બંને દેશોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું.
દેશનિકાલ અને રાજદ્વારી તણાવ
અન્ય એક વિવાદાસ્પદ મુદ્દો પાકિસ્તાન દ્વારા અફઘાન શરણાર્થીઓને દેશનિકાલ કરવાનો છે. નવેમ્બર 2023 માં, પાકિસ્તાને 5,00,000 થી વધુ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢ્યા અને 8,00,000 વધુને દેશનિકાલ કરવાની યોજના જાહેર કરી. ઈસ્લામાબાદે સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને આર્થિક પડકારોને ટાંકીને બધાને દેશનિકાલ કરવાના કારણો અને ખુલાસા આપ્યા. તાલિબાન સરકારે આ પગલાની ટીકા કરી અને પાકિસ્તાનને સહિષ્ણુતા બતાવવા વિનંતી કરી.
ઐતિહાસિક સંદર્ભ: સાથીઓ હરીફો બન્યા
પાકિસ્તાન એક સમયે અફઘાન તાલિબાનનું મોટું સમર્થક હતું. 1980 ના દાયકામાં, સોવિયેત પ્રભાવથી ડરીને, પાકિસ્તાને સોવિયત સંઘ સામે લડતા અફઘાન મુજાહિદ્દીનને પશ્ચિમી સહાય આપી હતી. 1996માં જ્યારે તાલિબાન પહેલીવાર સત્તામાં આવ્યા ત્યારે પાકિસ્તાને તેમને આશ્રય, ભંડોળ અને રાજદ્વારી સમર્થન આપ્યું હતું.
2021 માં જ્યારે તાલિબાનો સત્તા પર પાછા ફર્યા, ત્યારે પાકિસ્તાનને નવા સહયોગની અપેક્ષા હતી. જો કે, તાલિબાને ટૂંક સમયમાં ચીન, રશિયા અને ઈરાન જેવા દેશો સાથે સંબંધો બનાવીને સ્વતંત્રતાનો દાવો કર્યો. નિષ્ણાતો સૂચવે છે કે અફઘાનિસ્તાન હવે પોતાને પાકિસ્તાન પર નિર્ભર નથી, જેના કારણે બંને કટ્ટર દેશોના સંબંધોમાં તિરાડ પડી છે.
વર્તમાન સંઘર્ષ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના ઊંડા અને સંઘર્ષપૂર્ણ મુદ્દાઓને પ્રતિબિંબિત કરે છે. તેમના સંબંધોથી પરિચિત પત્રકાર સામી યુસુફઝાઈએ તેમના સંબંધની તુલના પિતરાઈ ભાઈઓ વચ્ચેના ઝઘડા સાથે કરી: “તેઓ એકબીજાને છોડી શકતા નથી, પરંતુ તેઓ તેમના સંબંધોને પણ ઠીક કરી શકતા નથી.” જો કે કેટલાક લોકો સારા સંબંધોમાં પાછા ફરવાની આશા રાખે છે, પરંતુ વધતા અવિશ્વાસ અને વિરોધાભાસી હિતોને કારણે નજીકના ભવિષ્યમાં આ અસંભવિત છે. હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવની અસર તેમના લોકો, વેપાર અને ક્ષેત્રીય સ્થિરતા પર પડી રહી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો આ ઉભરતો સંઘર્ષ દર્શાવે છે કે કેવી રીતે ઐતિહાસિક જોડાણો નાટકીય રીતે બદલાઈ શકે છે, મિત્રોને દુશ્મનોમાં ફેરવી શકે છે. લાંબા સમયથી હિંસાથી પીડિત પ્રદેશમાં શાંતિની આશા રાખવી નક્કામી છે.