રાજકોટ લોકમેળામાં પ્રથમ વખત રાઇડ્સ સંચાલકો સાથે પ્રિબીડ, મેળો ક્યાં યોજાશે તે હજુ ફાઇનલ નહીં : કલેકટર
રાજકોટની શાન અને ઓળખ સમાન જન્માષ્ટમી લોકમેળા આડે હવે 76 દિવસ જ બાકી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેર કર્યુ છે. જો કે, લોકમેળો રેષકોર્ષ મેદાનમાં યોજાશે કે અટલ સરોવર ન્યુ રેષકોર્ષ ખાતે તે હજુ નક્કી ન હોવાનું સ્પષ્ટ કરતા જિલ્લા કલેકટરે આ વખતે સમયનો ઈશ્યુ ન રહે અને રાઇડ્સ માટે રાજ્ય સરકારની SOPનું ચુસ્તપણે પાલન થાય તે માટે સ્ટોલ અને રાઇડ્સના ફોર્મનું વિતરણ વહેલું કરી રાઇડ્સ સંચાલકો સાથે પ્રિબીડ બેઠક પણ યોજવામાં આવશે તેમ જાહેર કર્યું હતું.
દર વર્ષે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાંધણ છઠ્ઠથી પાંચ દિવસ માટે રેષકોર્ષ મેદાનમાં ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, ગતવર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ કરવામાં આવ્યો હતો ત્યારે TRP ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકમેળામાં રાઇડ્સની એસોપીને લઈ પણ વિવાદ જાગ્યો હોય આ વર્ષે જિલ્લા કલેકટર દ્વારા રાઇડ્સ સંચાલકો સાથે લોકમેળા પૂર્વે જ પ્રિબીડ બેઠક યોજી SOPના પાલન માટે નિયમો સમજાવી રાઇડ્સ સંચાલકોને તૈયારી માટે પૂરતો સમય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આગામી 14 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ આવતી હોય લોકમેળાના આયોજન અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકમેળો શહેરની બહાર અટલ સરોવર પાસે યોજવામાં આવે તે અંતે સરકાર પાસે મેદાનને સમથળ કરવા ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. જો સરકારમાંથી ગ્રાન્ટ આવશે તો નવા સ્થળે લોકમેળો યોજવામાં આવશે. સાથે જ આ વર્ષે લોકમેળામાં સ્ટોલ અને રાઇડ્સના ફોર્મનું વિતરણ વહેલી તકે કરવામાં આવશે તેમ જણાવી SOPમાં કોઈ જ બાંધછોડ નહીં કરવામાં આવે તેમ પણ સ્પષ્ટ કર્યું હતું. નોંધનીય છે કે, લોકમેળા આડે હવે 76 દિવસ જ બાકી રહ્યા હોય તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.