લગ્નનું વચન આપીને પાળવામાં ન આવે તે આપઘાત માટે દુષ્પ્રેરણા ન ગણાય : કેરળ હાઇકોર્ટ
લગ્નનું વચન આપી તેનું પાલન ન કરવું તે ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા પુરી પાડવા સમાન ન ગણાય તેમ કેરળની હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે. જસ્ટિસ સીએસ સુધાની બનેલી સીંગ જજની બેન્ચે આરોપીની ડિસ્ચાર્જ અરજીને સ્વીકારતાં આ ચૂકાદો આપ્યો હતો.
આ કેસમાં બીજુ કુમાર સાથે પોતાના સંબંધો કથળી જતાં અંજુ નામની મહિલાએ આત્મહત્યા કરી હતી. અંજુની બહેને આ અંગે કેસ દાખલ કરી આરોપીએ આત્મહત્યા માટે તેની બહેનને દુષ્પ્રેરણા પુરી પાડી હોવાનો આરોપ મુક્યો હતો. ફરિયાદમાં એમ પણ જણાવાયું હતું કે અંજુના પરિવાર પાસે બીજુ કુમારે 101 સોનાના સિક્કા દહેજ તરીકે માંગ્યા હતા. આ માંગ સંતોષાઈ ન શકવાથી અંજુના પરિવાર અને બીજુ કુમારના સંબંધો કથળ્યા હતા.
ત્યાર પછી આરોપી બીજુ કુમારે આ પછી અંજુ સાથે અંતર રાખવા માંડયું હતું. થોડા દિવસો પછી બીજુ કુમારના લગ્ન અન્ય કોઇ મહિલા સાથે લેવાનું નક્કી થતાં અંજુ પરેશાન થઇ ગઇ હતી. એ પછી તેણે ત્રણ ઓક્ટોબર 2013ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અંજુના પરિવારે બીજુ કુમાર પર તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મુક્યો હતો.
આ કેસમાં બીજુ કુમાર વિરુદ્ધ આઇપીસીની કલમ 174 હેઠળ એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. જો કે, બાદમાં બીજુ કુમાર સામે આઇપીસીની કલમ 306 પણ લગાવવામાં આવી હતી. મૃતક અંજુની ડાયરીના આધારે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર બનાવવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
કલમ 107 હેઠળ દુષ્પ્રેરણા પુરી પાડવાની વ્યાખ્યાનું અર્થઘટન કરતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેમાં મૃતકને તેનો જીવ લેવાની ફરજ પાડવા ઇરાદાપૂર્વક સહાય પાડવામાં આવી હોય તે સાબિત થવું જોઇએ. માત્ર આવેશમાં આવી પરિણામની પરવા કર્યા વિના કંઈક બોલવામાં આવે તો તેને દુષ્પ્રેરણા ન કહી શકાય. હાઇકોર્ટે 2009ના ચિત્રેશકુમાર ચોપડા વિરૂદ્ધ દિલ્હી સરકારના કેસમાં તથા ૨૦૦૧માં રમેશ કુમાર વિરૂદ્ધ છત્તીસગઢ સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલાં ચૂકાદાને પણ ટાંક્યા હતા.