અધ્યક્ષની ખુરશી પાસેથી સેનગોલ હટાવી બંધારણની પ્રત મુકવા માંગ
સમાજવાદી પાર્ટીના સાંસદે અધ્યક્ષને પત્ર લખ્યો
સંસદમાં હવે ‘ સેનગોલ ‘ નો વિવાદ શરૂ થયો છે. લોકસભાના અધ્યક્ષની ખુરશી નજીક રાખવામાં આવેલ સેનગોલ ત્યાંથી હટાવી અને તેના સ્થાને બંધારણની પ્રત રાખવાની સમાજવાદી પક્ષના સાંસદે માગણી કર્યા બાદ અન્ય વિપક્ષોએ પણ તેમાં સૂર પુરાવ્યો હતો.
સમાજવાદી પાર્ટીના સાંસદ આર.કે ચૌધરીએ લોકસભાના અધ્યક્ષ ને પત્ર લખી આ માગણી કરી હતી. તેમાં તેમણે કહ્યું કે સેનગોલ નો અર્થ રાજદંડ થાય છે. ભારતમાં રાજવી શાસનનો અંત આવી ગયો છે. હવે ભારતનો એક એક નાગરિક મતદાન દ્વારા શાસક નક્કી કરે છે. બંધારણ એ લોકશાહીનો આત્મા છે ત્યારે શું દેશ ‘રાજા ના દંડ ‘ થી ચાલશે કે બંધારણ થી? તેવો સવાલ તેમણે કર્યો હતો.
બાદમાં કોંગ્રેસ સાંસદ બી મન્નીકમ ટાગોરે કહ્યું કે સેનગોલ રાજવી પરંપરા નું પ્રતીક છે. ભારતમાંથી રાજવી શાસનનો યુગ આથમી ગયો છે ત્યારે આપણે લોકશાહી અને બંધારણને અગ્રીમતા આપવી જોઈએ. લાલુ પ્રસાદના પુત્રી સાંસદ મીસા ભારતીએપણ આ માગણીને ટેકો આપ્યો હતો.
નોંધનીય છે કે નવા સંસદ ભવનના ઉદઘાટ પ્રસંગે ભારે તાલ માલ અને તાશીરા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સેનગોલ નું સ્થાપન કર્યું હતું.
તે માટે તામિલનાડુ થી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા. તામિલનાડુમાં ભાજપનું કદ વધારવા માટે મોદીએ સેનગોલનું સ્થાપન કર્યો હોવાનો જે તે સમયે વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો.
ભાજપનો વળતો પ્રહાર
ભાજપના પ્રવક્તા કહ્યું કે સમાજવાદી પાર્ટીએ આ અગાઉ રામચરિત માનસનું અપમાન કર્યું હતું અને હવે ભારત અને તામિલ પરંપરા ના પ્રતીક સમા સેનગોલ નું અપમાન કરે છે. આ અપમાન સાથે ડીએમકે સંમત છે કે નહીં તેની ચોખવટ કરવાની તેમણે માગણી કરી હતી.
અખિલેશે મોદીને ટોણો માર્યો
અખિલેશ યાદવે કહ્યું કે સેનગોલ ના સ્થાપન સમયે વડાપ્રધાને તેને શષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા પણ આ વખતે શપથ લેતી સમયે પ્રણામ કરવાનું ભૂલી ગયા. અમારા સાંસદ કદાચ વડાપ્રધાનને એ યાદ અપાવવા માંગતા હતા.