યુપીમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું; દુર્ઘટના ટળી
રામપુરમાં રેલવે ટ્રેક પર 7 મીટર લાંબો થાંભલો રાખી દીધો હતો
ઉત્તર પ્રદેશમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવતા ખળભળાટ મચ્યો હતો. અહીં રામપુરમાં રેલવે ટ્રેક પર ગુરુવારે સાત મીટર લાંબો થાંભલો મુકીને કાઠગોદામ-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનને ડિરેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે લોકો પાયલોટે સમસૂચકતા દાખવતા રાજ્યમાં મોટી દુર્ઘટના ટળી હતી.
લોકો પાયલોટને ટ્રેક પર થાંભલો પડ્યો હોવાનું દૂરથી દેખાઈ ગયું હતું, જેના કારણે તેણે તુરંત ઈમરજન્સી બ્રેક મારી દુર્ઘટના ટાળી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ટ્રેનની સુરક્ષા પર ફરી સવાલો ઉઠ્યા છે. ટ્રેક પરથી થાંભલો હટાવી ટ્રેન રવાના કરી દેવાઈ હતી. આ ઉપરાંત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ અધિક્ષક તથા જીઆરપી એસપીએ પણ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.
આ ઘટના અંગે એવું કહેવાય છે કે, રૂદ્રપુર બોર્ડરથી સિટી ક્ષેત્રની બલવંત એન્કલેવ કોલોની પાછળની રેલવે લાઈનના ટ્રેક પર કોઈએ બુધવારે રાત્રે વજનદાર થાંભલો રાખી દીધો હતો. આ દરમિયાન તે ટ્રેક પર ટ્રેન નંબર-12091 કાઠગોદામ દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન દેહરાદૂનથી પરત કાઠગોદામ આવી રહી હતી. આ દરમિયાન લોકો પાયલોટે ટ્રેક પર વીજળીનો થાંભલો જોતા ચોંકી ગયો હતો અને તેણે તુરંત ઈમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હતી.