કેન્દ્ર સરકારની તિજોરી ભરવામાં સીધા વેરાની આવકે મોટો ભાગ ભજવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં 1 એપ્રિલથી 11 ઓક્ટોબરની વચ્ચે રિફંડના સમાયોજન પછી, દેશનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 18.35 ટકા વધીને 11.25 લાખ કરોડ થયું છે. પાછલા વર્ષના સમાન સમયગાળામાં ટેક્સ કલેક્શન રૂ. 9.51 લાખ કરોડ હતું.
ટેક્સ વધારામાં પર્સનલ ઇન્કમ ટેક્સએ કોર્પોરેશન ટેક્સને પાછળ છોડી દીધો છે. પર્સનલ ટેક્સ આવક રૂ. 5.98 લાખ કરોડ (નેટ) હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 4.88 લાખ કરોડ હતી.
કોર્પોરેશન ટેક્સ (નેટ) રૂ. 4.95 લાખ કરોડ રહ્યો, જે 11.2 ટકાનો વધારો દર્શાવે છે. આ વર્તમાન નાણાકીય વર્ષ માટે નિર્ધારિત 12 ટકા વૃદ્ધિના લક્ષ્યાંક કરતાં ઓછું છે. ડાયરેક્ટ ટેક્સમાં પર્સનલ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સનો સમાવેશ થાય છે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, જે પીઆઈટીનો ભાગ છે, તે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 16,373 કરોડથી વધીને રૂ. 30,630 કરોડ થયો છે. તેનું કારણ ટેક્સના દરમાં ફેરફાર અને શેરબજારમાં ટ્રેડિંગમાં વધારો છે.
સરકારે 11 ઓક્ટોબર સુધી 2.31 લાખ કરોડ રૂપિયાના ડાયરેક્ટ ટેક્સ રિફંડ જારી કર્યા છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2024 ના સમાન સમયગાળામાં રૂ. 1.6 લાખ કરોડ કરતાં 46.03 ટકા વધુ છે. બજેટમાં કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025માં ગ્રોસ ટેક્સ રેવન્યુ વધારીને રૂ. 38.40 લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.