રાજકોટના હડાળા ગામના યુવકને ત્રાસ આપતા વ્યાજખોર પિતા-પુત્ર સામે કાર્યવાહી
પેટા : પોલીસ કમિશનરને લોક દરબારમાં ફરિયાદ કરતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો : હોસ્પિટલનો ખર્ચ વધી જતાં યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો
વ્યાજખોરીને નાબુદ કરવા રાજ્યભરમાં વ્યાજખોરી સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગ રાજકોટ શહેર પોલીસ દ્વારા જનસંપર્ક સભા-લોક દરબારનું થોડા દિવસ પહેલા આયોજન કરાયું હતું. જેમાં વ્યાજખોરીમાં ફસાયેલા લોકોએ અરજીઓ કરી હતી. જે દરમિયાન વ્યાજખોરીમાં ફસાયેલા રાજકોટના હડાળા ગામના મિસ્ત્રી કામ કરતાં યુવાનને કોઠારીયાના પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ કરતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ હડાળા ગામે રહેતાં અને છુટક મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતાં નરેશભાઇ મધુભાઈ રાબડીયા (ઉ.વ.૩૨) નામના યુવાનની ફરિયાદ પરથી પોલીસે કોઠારીયામાં રહેતાં કરણ દિલીપભાઇ પરમાર અને તેના પિતા દિલીપ માવજીભાઈ પરમારનું નામ આપતા જણાવ્યું છે કે,બે વર્ષ પહેલા તેમના બા ભાનુબેનને કેન્સરની બિમારી લાગુ પડી હતી. તે વખતે તેમની પત્નિને ડિલીવરી પણ આવે તેમ હોઇ તેની દવા સારવાર માટે પૈસાની જરૂર પડતાં તેના બાપુજીએ કોઠારીયા ગામના દિલીપ પરમાર પાસેથી મહિને પાંચ ટકાના વ્યાજે રૂ. ૧,૫૦,૦00 લીધા હતાં. જેનું દર મહિને રૂ. ૭૫૦૦ વ્યાજ ભરતાં હતાં. રૂપિયા લીધાના એક વર્ષ બાદ મેં દિલીપભાઈને દર મહિને દસ હજાર રૂપિયા આપવાનું ચાલુ કર્યું હતું.
આ રીતે તેને બાર મહિના સુધી દસ-દસ હજાર રૂપિયા અલગથી આપ્યા હતાં. આમ કુલ ૧,૨૦,૦૦૦ ચુકવી દીધા હતાં. આર્થિક ભીંસ ઉભી થતાં બાકીની રકમ આપવામાં સમય લાગ્યો હતો. જેથી આરોપી કરણ યુવકના ઘરે આવીને તેમજ ફોન કરીને ગાળો દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને હજુ ૧,૫૦,૦૦૦ આપવા જ પડશે તેમ કહી ધમકીઓ આપવાનું ચાલુ કર્યું હતું.જેથી રાજકોટમાં ૨૮/૬ના રોજ વ્યાજંકવાદ વિરૂધ્ધ લોકદરબારમાં તેમના પત્નિ ઉર્વશી રાબડીયાએ અરજી કરી હતી. અને બાદ કુવાડવા પોલીસના પીઆઇ વી. આર. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. ભટ્ટીએ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી કરી છે.