આંતરધર્મિય સંબંધના કેસમાં મુંબઈ હાઇકોર્ટનો ચુકાદો
સમાજની અસંમતિને કારણે કોઈને લીવ ઈન રીલેશનશીપ રહેતાં રોકી શકાય નહિ
પુખ્ત વયના બે લોકો પોતાની મરજીથી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગતા હોય તો કાયદા દ્વારા તેમને અટકાવી શકાય નહીં તેવો ચુકાદો મુંબઈ હાઇકોર્ટે આપ્યો હતો.
મુંબઈની 19 વર્ષની એક હિંદુ યુવતી 20 વર્ષના મુસ્લિમ યુવાન સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તે સંબંધો અંગે યુવતીના વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે યુવતીને એક શેલ્ટર હોમમાં મોકલી આપી હતી. યુવતીને બળજબરીથી શેલ્ટર હોમમાં મોકલવાના પોલીસના પગલાં સામે મુસ્લિમ યુવકે અદાલતમાં દાદ માગી હતી. તે કેસનો ચુકાદો આપતા મુંબઈ હાઇકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેએ કહ્યું કે 19 વર્ષની એક હિંદુ યુવતી અને 20 વર્ષનો મુસ્લિમ યુવાન તેમની ઈચ્છાથી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગતા હોય તો એ તેમનો અધિકાર છે અને તે અધિકારથી તેમને વંચિત રાખી શકાય નહીં. અદાલતે યુવતીને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ચુકાદો આપતી સમયે અદાલતે કહ્યું કે અમારી સામે બે પુખ્ત વયના લોકો છે. બંનેએ પોતાની ઈચ્છાથી એકબીજાને પસંદ કર્યા છે અને લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે. અદાલતે કહ્યું કે કોઈપણ વ્યક્તિના પસંદગીના અધિકારને છીનવી શકાય નહીં. યુવતીના વાલીઓ કે સમાજ આ સંબંધ સાથે અસમત હોય, માત્ર એટલા જ કારણોસર તેમને લીવ ઇન રિલેશનશિપમાં રહેતા રોકી શકાય નહીં.
અદાલતે એ યુવતી સાથે એક કલાક સુધી આ મુદ્દે ચર્ચા કરી હતી. બાદમાં અદાલતે કહ્યું કે યુવતી પોતાના વિચારોમાં સ્પષ્ટ છે. તે પોતાનું જીવન પોતાની શરતે વિતાવવા માંગે છે. તેણે કેવું જીવન જીવવું જોઈએ તેનો નિર્ણય બીજા કોઈ કરી શકે નહીં.
નોંધનીય છે કે વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં યુવતી ની પૂછપરછ સમયે
તેના વાલીઓ ઉપરાંત બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ સંબંધ તોડી નાખવા માટે યુવતી ઉપર દબાણ કર્યું હતું. પરંતુ યુવતી પોતાના નિર્ણય ઉપર અડગ રહી હતી.