જમ્મુ-કાશ્મીરમાં ચુંટણી ટાણે આતંકી હુમલાઓનો ભય
અનંતનાગ અને કૈલાશ યાત્રા ટાર્ગેટ થઈ શકે છે : ગુપ્તચરો અને બીએસએફ એલર્ટ: ઘૂસણખોરીના પ્રયાસ પણ વધી શકે છે
જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુપ્તચર વિભાગ હાઈ એલર્ટ પર છે. હાલમાં જ કેટલાક એવા ઇનપુટ મળ્યા છે જે દર્શાવે છે કે ઘાટીમાં આતંકવાદીઓની ગતિવિધિ વધી છે. ગુપ્તચર એજન્સીને રાજ્યના ઘણા ભાગોમાં આતંકવાદી હિલચાલની માહિતી મળી છે.
ગુપ્તચર એજન્સીએ મીડિયા સાથેનિમ વાતચીતમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર ચૂંટણી અને કૈલાશ કુંડ યાત્રા પર આતંકવાદી પડછાયો પડવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ સુરક્ષા દળો અને પોલીસની જગ્યાઓને પણ નિશાન બનાવી શકે છે. ખાસ કરીને અનંતનાગ પંથકમાં હિંસા આચરી શકે છે.
આતંકવાદીઓ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત કૈલાશ કુંડ યાત્રા પર પણ આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. ન્યૂઝ 18 સાથે ઇનપુટ્સ શેર કરીને એવી માહિતી અપાઈ હતી કે એકે-47 શ્રેણીની રાઇફલ્સ અને હેન્ડ ગ્રેનેડથી સજ્જ આતંકવાદીઓ ચૂંટણીમાં મોટી તબાહી મચાવી શકે છે. ન્યૂઝ18 ઇન્ડિયાને 5 ઇનપુટ મળ્યા છે.
જો કે બીએસએફ દ્વારા કોઈ પણ પ્રકારના આતંકી હુમલા કે ઘૂસણખોરીને મારી હટાવવા પૂરી તૈયારી કરવામાં આવી છે. એવી પણ શંકા છે કે રાજકીય પાર્ટીના કાર્યકરો અને બિનકાશ્મીરી લોકોના ઘરોને ટાર્ગેટ કરી શકાય છે.