રાજકોટના ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ અશક્ય ! ગુજરાત મેરિટાઇમ બોર્ડની કડક SOP જાહેર
રાજકોટના ઈશ્વરીયા પાર્કમાં વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ બંધ કરાવવામાં આવેલ બોટિંગ એક્ટિવિટી ભવિષ્યમાં શરૂ થવા સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. ગુજરાત સરકારે મેરિટાઇમ બોર્ડની એસઓપી બાદ બોટિંગ શરૂ કરવા સૂચના આપ્યા બાદ હાલમાં મેરિટાઇમ બોર્ડની એસઓપી આવી ગઈ છે પરંતુ એસઓપી આકરા નિયમો અમલી બનાવવાની સાથે બોટ માટે ઇન્ડિયન રજિસ્ટ્રાર ઓફ શિપિંગનું લાયસન્સ તેમજ નવી આધુનિક બોટ હોવી પણ ફરજીયાત બનાવવામાં આવતા ઈશ્વરિયામાં બોટિંગ અશક્ય હોવાના નિર્દેશ મળી રહ્યા છે. બીજીતરફ હાલમાં ઈશ્વરિયાપાર્કના તળાવમાં પાણી પણ સુકાઈ ગયું હોય બોટિંગ શક્ય ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શાળાના 12 બાળકો અને શિક્ષકો સહિત કુલ 14 લોકોનાં મોત થયા હતા.હરણી બોટ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં બોટિંગ એક્ટિવિટી બંધ કરાવી દઈ ગુજરાત મેરિટાઇમ બોર્ડની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે, એસઓપી આવ્યા બાદ જ બોટિંગ શરૂ કરવાની રાજ્ય સરકારે સુચના આપતા રાજકોટમાં એક માત્ર ઈશ્વરીયા પાર્ક ખાતે થતું બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ગુજરાત મેરિટાઇમ બોર્ડની ગાઇડલાઇનનો ઇન્તજાર કરવામાં આવતો હોય વેકેશનમાં પણ બોટિંગ એક્ટિવિટી શરૂ થઇ શકી ન હતી.
દરમિયાન ગુજરાત મેરિટાઇમ બોર્ડની એસઓપી હાલમાં આવી ગઈ છે જેમાં બોટિંગ માટે આધુનિક નવી બોટ વસાવવી, રેડિયો ફ્રીક્વન્સી વાળો સંદેશા વ્યવહાર, ડબલ સ્ટિયરિંગ સિસ્ટમ, સલામતીના સાધનો, ઇન્ડિયન રજિસ્ટ્રાર ઓફ શિપિંગનું લાયસન્સ, જીએમબી તેમજ ઇન્ડિયન રજિસ્ટ્રાર ઓફ શિપિંગની ટીમ દ્વારા બોટની ચકાસણી, બોટમાં વેલ્ડિંગ કરવા માટે પણ કુશળ અને સર્ટિફિકેટ ધરાવતા વેલ્ડર પાસેથી કામગીરી લેવા જેવા આકરા નિયમો ફરજીયાત કરવામાં આવ્યા છે.જેને પગલે ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ અશક્ય હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ હાલમાં ઈશ્વરીયા પાર્કમાં હાલમાં તળાવમાં પાણી પણ સુકાઈ ગયું હોવાથી બોટિંગ શક્ય ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.