રાજકોટની જૂની કલેકટર કચેરી કે દલાલોનો અડ્ડો? પૂર્વ મામલતદાર અને પોલીસની ચીમકી મળવા છતાં થયા રિટર્ન
રાજકોટ શહેરની જૂની કલેકટર કચેરીમાં ત્રણ-ત્રણ પ્રાંત અધિકારી અને બે મામલતદાર તેમજ પુરવઠા વિભાગની ઝોનલ કચેરી સહિતની અન્ય મહત્વની કચેરીઓ આવેલી હોય અહીં રેશનકાર્ડ તેમજ ચેપટર કેસમાં જામીન મેળવવા આવતા અરજદારોને લૂંટવા માટે દલાલોની ગેંગ કાયમી અડ્ડો જમાવીને બેસી રહે છે.

અરજદારોને લૂંટવા આવતા દલાલોને કારણે અહીં બેસતા કાયદેસરના લાયસન્સ ધારક એવા પિટિશન રાઇટરોની હાલત પણ કફોડી બની છે ત્યારે બુધવારે શહેર પૂર્વ મામલતદાર ચાવડાએ પ્ર,નગર પોલીસને સાથે રાખી દલાલને કચેરી બહાર હાંકી કાઢ્યા હતા. જો કે, કર્મચારીઓ સાથે ગાઢ ધરોબો ધરાવતા આવા અરજદારો ગુરુવારે ફરી જૂની કલેકટર કચેરીમાં અડિંગો જમાવી બેસી જતા મામલતદાર અને પોલીસની ધાક બે અસર સાબિત થયાનું ફ્લાઇટ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, પુરવઠા ઝોનલ કચેરી પાસે ડેરાતંબુ નાખીને બેસી રહેતા એક દલાલે રેશનકાર્ડ ટ્રાન્સફર કરવા માટે અરજદાર પાસેથી 8000 રૂપિયા પડાવ્યા હોય સમગ્ર મામલો સીટી મામલદાર સુધી પહોંચ્યા બાદ માત્ર એક દિવસ પૂરતી દલાલ હટાવ ઝુંબેશ યોજવામાં આવી હતી અને જેમ દબાણ હટાવ્યા બાદ ફરી દબાણ ઉભા થઇ રહ્યા છે તેવી જ રીતે મામલતદારના રાઉન્ડ બાદ 24 કલાકમાં જ એજન્ટો કચેરીની પાળીએ બેસી અરજદારોને લૂંટતા જોવા મળ્યા હતા.
