અંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર હવે ‘શ્રી વિજયપુરમ’ તરીકે ઓળખાશે : સરકારે નામ બદલ્યું
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન- નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું કેન્દ્ર સરકારે નામ બદલી નાખ્યા ની શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે.
એક્સ પર પોસ્ટ મૂકીને અમિત શાહે કહ્યું હતું કે દેશને ગુલામીના બધા જ પ્રતીકોથી મુક્તિ અપાવવાના વડાપ્રધાન મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને પોર્ટ બ્લેરનું નામ બદલવામાં આવ્યું છે. શ્રી વિજયપૂરમ નવું નામ સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે.
શાહે એમ પણ કહ્યું હતું કે અહીં નેતાજી સુભાષચંદ્ર બોસે પ્રથમવાર તિરંગો લહેરાવ્યો હતો. આ દ્વીપ આપણા દેશની સ્વાધીનતા અને ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ દ્વીપ સેલ્યુલર જેલમાં વીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા માં ભારતીની સ્વાધીનતા માટે સંઘર્ષનું સ્થાન પણ છે.
‘શ્રી વિજયપુરમ આઝાદીની લડાઈ દર્શાવે છે’
તેમણે કહ્યું કે ‘શ્રી વિજયપુરમ’ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આપણા દેશની સ્વતંત્રતા અને ઈતિહાસમાં આ ટાપુનું આગવું સ્થાન છે.
અમિત શાહે લખ્યું, ‘ચોલ સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જી દ્વારા ત્રિરંગો લહેરાવવામાંથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદી માટેના સંઘર્ષ સુધીનું સ્થળ પણ છે.
અગાઉ પણ ત્રણ ટાપુઓના નામ બદલવામાં આવ્યા હતા
2018માં પણ જ્યારે પીએમ મોદી આંદામાન અને નિકોબાર પહોંચ્યા હતા ત્યારે તેમણે ત્રણ ટાપુઓના નામ બદલવાની જાહેરાત કરી હતી. તેણે હેવલોક આઇલેન્ડ, નીલ આઇલેન્ડ અને રોસ આઇલેન્ડના નામ બદલી નાખ્યા. પીએમ મોદીએ કહ્યું હતું કે હેવલોક આઇલેન્ડ હવે સ્વરાજ દ્વીપ, નીલ આઇલેન્ડ શહીદ દ્વીપ અને રોસ આઇલેન્ડ નેતાજી સુભાષ ચંદ્ર દ્વીપ તરીકે ઓળખાશે.