સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે.હાશકારો અનુભવ્યો છે. વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખનાર ટ્રમ્પના રેસીપ્રોકલ ટેરિફને 90 દિવસની બ્રેક લાગી જતાં વેપાર ઉદ્યોગ જગતના જીવમાં જીવ આવ્યો છે.હવે 90 દિવસ દરમિયાન વિવિધ દેશો સાથે અમેરિકાનો વ્યાપાર સોદો સાકાર થશે અને ઘીના ઠામમાં ઘી ઢોળાઇ જશે એવી આશા જન્મી છે .ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના રાષ્ટ્રો પરના રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કર્યા બાદ, 10 એપ્રિલ, 2025 સુધીના વિશ્વભરના સ્ટોક માર્કેટ ઇન્ડેક્સમાં જબરજસ્ત તેજી નોંધાઈ હતી.2એપ્રિલથી પતન તરફ ધસી રહેલા વિશ્વભરના સ્ટોક માર્કેટ્સમાં ફરી એક વખત રિકવરીનો દૌર શરૂ થયો છે.
ટ્રમ્પે યુ ટર્ન લીધો એ સાથે જ શેરબજારોમાં ઉત્સાહ અને ઉતેજનાનો માહોલ સર્જાયો હતો.અમેરિકન સ્ટોક માર્કેટના સૌથી મહત્વના સૂચકાંક S&P 500 માં 9.52 ટકાનો એટલે 485 પોઇન્ટનો વિક્રમસર્જક વધારો નોંધાયો હતો. નાસડેકમાં પણ 12.2 ટકાના ઉછાળા સાથે 1900 પોઈન્ટનો વધારો થયો હતો.2001 ઓછી કોઈ એક જ દિવસમાં થયેલો આ સૌથી મોટો વધારો હતો. ડાઉ જોન્સમાં 1000 પોઈન્ટનો વધારો થતા રોકાણકારો ગેલમાં આવી ગયા હતા.
એશિયાઈ સ્ટોક માર્કેટ્સ
એશિયાઈ સ્ટોક માર્કેટ પણ ઉછળ્યા હતા.જાપાનમાં
નિક્કેઈમાં 8.65 ટકાના કૂદકા સાથે ઇન્ડેક્સમાં 2730 પોઈન્ટનો જંગી વધારો થયો હતો.હોંગ કોંગના સૂચકાંક
હેંગ સેંગ માં 10 ટકા ના વધારા સાથે માર્કેટ 2000 પોઇન્ટ ઊંચકાયું હતું.દક્ષિણ કોરીયામાં કોસ્પીમાં
8 ટકાના ઉછાળા સાથે 250 પોઇન્ટ વધ્યા હતા.
યુરોપિયન સ્ટોક માર્કેટ
છેલ્લા અઠવાડિયાથી હચમચી ગયેલા યુરોપિયન શેર બજારો માં પણ ગુલાબી રિકવરી જોવા મળી હતી.
STOXX 600 માં 4 ટકાના ઉછાળા સાથે ઇન્ડેસ્ક 20 ટકા વધ્યો હતો.જર્મનીમાં DAX માં 500 પોઇન્ટ ઉમેરાઇ ગયા હતા.ફ્રાન્સના CAC 40 માં 2.50 ટકા એટલે કે 175 પોઈન્ટનો વધારો નોંધાયો હતું.યુકેનો FTSE 100 ઇન્ડેક્સ 210 પોઇન્ટ વધ્યો હતો.
ભારતમાં આજે માર્કેટમાં મોટી રિકવરી સંભવિત
ટ્રમ્પે 26 ટકા ટેરિફ લગાવ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થઈ ગયા હતા.ખાસ કરીને ઓટો, સર્વિસ સેક્ટર, ફાર્મા વગેરે ક્ષેત્રોની કંપનીઓના ભાવમાં જંગી ઘટાડો થયો હતો. હવે,રેસિપ્રૉકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત થયા બાદ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ
અંગે ચર્ચા આગળ ધપશે અને તેની ફળશ્રુતિરૂપે ઊંચા ટેરિફમાંથી મુક્તિ મળશે એવો આશાવાદ પ્રવર્તે છે. ગુરુવારે મહાવીર જયંતી નિમિતે ભારતીય સ્ટોક માર્કેટ બંધ હતું પણ વિશ્વભરના શેરબજારોએ ટ્રમ્પ ના નિર્ણયનો સ્કારાત્મક પ્રતિસાદ આપ્યો છે તે જોતા શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ નોંધપાત્ર રિકવરી થવાની સંભાવના છે.