હિમાચલ પ્રદેશઅને ઉત્તરાખંડમાં વાદળો ફાટતાં 14 ના મોત: 50થી વધુ લાપતા
આકાશી આફતે સર્જ્યો વિનાશ
હિમાચલમાં સ્થિતિ અતિ ગંભીર: એક સાથે ત્રણ સ્થળે વાદળો ફાટ્યા:ઇમારતો પતાના મહેલની જેમ ધરાશયી:નદીઓમાં ઘોડાપૂર: રસ્તાઓ ધોવાઈ ગયા:
કેરળ ના વાયનાડમાં ભૂસ્ખલન અને પૂરને કારણે સર્જાયેલી ભયંકર દુર્ઘટનામાં હજુ તો રોજ નવા મૃતદેહો મળી રહ્યા છે ત્યાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આકાશમાંથી આફત વરસી હતી. હિમાચલ પ્રદેશમાં એક જ રાતમાં ત્રણ સ્થળે વાદળો ફાટતાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 50થી વધુ લોકો લાપતા થયા છે. ઉત્તરાખંડમાં પણ વાદળો ફાટવા ને કારણે તેમજ ભૂસ્ખલન અને પૂરને કારણે દસ લોકો માર્યા ગયા હતા.
હિમાચલ પ્રદેશના પાટનગર સીમલાના રામપુર વિસ્તારમાં વહેલી સવારે 4:30 મિનિટે વાદળ ફાટતાં અનેક મકાનો, હોસ્પિટલો તેમ જ અન્ય ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે પ્રાથમિક અહેવાલ અનુસાર એકલા રામપુરમાવજ વિસ કરતાં વધારે લોકો લાપતા બન્યા હતા. લાપતા બનેલા લોકો નદીના પૂરમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સામેજખાદ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નજીક જ વાદળ ફાટતા એ પ્રોજેક્ટને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. સીમલા કુલ્લુની સરહદ પર આવેલા નીરમંડ વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું હતું. એ વિસ્તારમાં પણ અનેક મકાનો પતા ના મહેલની માફક તૂટી પડ્યા હતા. હોસ્પિટલને પણ નુકસાન થયું હતું અનેક વાહનો નદીના પૂરમાં તણાઈ ગયા હતા. માલાણા ટુ પાવર પ્રોજેક્ટ ને ગંભીર નુકસાન થયું હતું.અન્ય બનાવમાં મંડીના થલતુખોડ માં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ હતી. એ જ વિસ્તારના તેરંગ અને રાજવનમાં પણ વાદળો ફાટ્યા હતા.
બનાવની જાણ થતા એનડીઆરએફ, એસડીઆરએફ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, હોમગાર્ડ તથા ફાયર બ્રિગેડની ટુકડીઓને બચાવ કાર્ય માટે દોડાવવામાં આવી હતી પરંતુ ભારે વરસાદ તેમજ અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થઈ જતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા હતા અને પરિણામે બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ હતી.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંઘ સુખુના જણાવ્યા મુજબ અલગ અલગ સ્થળે થયેલી વાદળો ફાટવાની ઘટના બાદ 50 થી વધુ લોકો લાપતા બન્યા છે. વિવિધ સ્થળોએ થયેલી આગળ ઘટનાઓમાં હજુ પણ મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
બાગીપુલમાં ભારે તબાહી:એક જ પરિવારના સાત સભ્યો લાપતા
હિમાચલના બાગીપુલમાં અકલ્પ્ય વિનાશ થયો છે. પ્રાથમિક અહેવાલ મુજબ 15 મકાનો ધરાશાય થઈ જતા મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની ભીતિ છે. બીજી તરફ નદીના પૂરે આ ગામને ભરડો લેતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. મોટી સંખ્યામાં લોકો તણાઈ ગયા હતા. તેમાં એક જ પરિવારના સાત સભ્યોનો સમાવેશ થાય છે. કુદરતે સર્જેલો વિનાશ એટલો ભયંકર હતો કે બાગીપૂલ ગામનું આખે આખું બસ સ્ટેન્ડ પૂરમાં તણાઈ ગયું હતું.
ઉત્તરાખંડમાં દેહરાદૂન થી કેદારનાથ સુધી તબાહી જ તબાહી: મકાનો ધ્વસ્ત,વાહનો તણાયા
ઉત્તરાખંડમાં પણ વાદળો ફાટવાની ઘટનાઓ બની હતી. ભૂસ્ખલન તેમજ મકાનો ધ્વસ્ત થવાને કારણે અને પૂરને કારણે 10 લોકોના મૃત્યુ થયા હતા. તેહરી જિલ્લામાં કેદારનાથને જોડતો પુલ તુટી જતા યાત્રા ખોરવાઈ ગઈ હતી. સરકારી અહેવાલ મુજબ ચમોલમાં મકાનો ધ્વસ્ત થઈ જતા ભારે ખાના ખરાબી સર્જાઇ છે. એ ઘટના બાદ એક મહિલા અને બાળક લાપતા બન્યા હતા. ભારામુર ગામમાં મકાન હેઠળ દટાઈ જવાને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. તેહરી જિલ્લાના ધાનસાલી ગામમાં પણ મકાન પડી જતાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હરિદ્વારના સુખી વિસ્તારમાં ભારે પુરમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. કાવડિયા માટેનો એક ટ્રક પણ નદીમાં તણાઈ ગયો હતો. સદભાગ્ય એ સમયે કાવડિયાઓ ટ્રકમાં ન હોવાને કારણે મોટી જાનહાની અટકી હતી. પાટનગર દેરાદુન પણ પાણીમાં ગરક થઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. દેરાદુનના અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. નદીઓમાં આવેલા પૂરમાં હલદવાની અને મનવેલમાં ચાર લોકો લાપતા બન્યા હતા. રાયપુરમાં બે લોકો નદીમાં તણાઈ ગયા હતા. કેદારનાથના માર્ગ પર પૌરી જિલ્લામાં અને ચૌથન વિસ્તારમાં 200 થી વધુ યાત્રાળુઓ ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.