કલ્પધર: હે તીર્થંકર પરમાત્મા ! તમે સર્વસ્વ છો, હું શૂન્ય છું
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર.સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ ચોથો
જ્ઞાનચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર, વીર્યાચારનું પાલન કરો
ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ.જ્યોતિબાઈ સ્વામીના સુશિષ્યા બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ ધર્મ-ધ્યાન કરીને પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો. આ આઠ દિવસની આરાધના સિદ્ધ પરમાત્માની જેમ અષ્ટગુણોના ધારક બનાવે. આઠ કર્મથી અંતરાત્માને મુક્ત કરે. અષ્ટ ગુણોથી આપણને સિદ્ધત્વ મળે તેવી આરાધના આપણે કરવાની છે.
આજનો દિવસ કલ્પધરનો દિવસ છે. આ બધી ઓળખાણ બત્રીસ આગમમાં ભગવતી સૂત્ર છે. તેમાં વિધિ સહિતની તમામ ક્રિયા બતાવી છે. દસ કલ્પ બતાવ્યા છે. કલ્પ એટલે શું ? કલ્પધર નામ શા માટે આપ્યું ? કલ્પ એટલે આચાર, નિયમ, મર્યાદા. આખુંય જગત નિયમથી ચાલે છે. આચારી નિષ્ઠા પ્રમાણે બધાએ ચાલવું પડે છે. પાંચ અંગ નમાવીને ગુરુને ભગવાનને વંદના કરીએ છીએ. પંચાગ પ્રણિપાત એટલે બે હાથ-બે પગ અને મસ્તક નમાવવા એ આપણા પરમાત્માએ બતાવેલી આરાધના છે. નિજ કર્મનો ક્ષય થાય છે.
ગુણવાન પાસેથી ગુણ ગ્રહણ કરવા એ દૂર્લભ છે. આપનામાં જે ગુણ હોય તે અમોને પ્રાપ્ત થાઓ. આ પાંચ અંગ નમાવવા એ શા માટે બતાવ્યું છે ? બે ખભા, બે ઢીંચણ અને માથું નમાવવું એટલે આરાધ્યક પરમાત્માની સન્મુખ અહમ્ના કેન્દ્ર નમાવી દેવા. અહમ્મને સંપૂર્ણપણે નમાવી દેવા. અહમ્ને સંપૂર્ણપણે નમાવી દેવું છે કે તારી પાસે હું કંઈ જ નથી. You are everything, I am nothing આપણે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, તમામ આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વે સાધુ-સાધ્વીઓને નમસ્કાર કરીએ છીએ. આ પંચપરમેષ્ઠિના એકસો આઠ ગુણ અમારા જીવનમાં પ્રગટ થવા માટે સમય સમયની વંદના કરીએ છીએ.
Check Your Role
તમારો રોલ ચેક કરો. તમારે શું કરવાનું છે ? તમારી જવાબદારી, ફરજ, કર્તવ્ય શું છે ? તે વિચારવાનું છે. મારા ઘરમાં મારો રોલ શું છે ? ધર્મ માટેનો રોલ શું છે ? મારા ગુરુ, મારા પરિવાર માટે મારે શું કરવાનું છે ? મા-બાપની સેવા કરો એ શાસનની સેવા છે. મા-બાપે તમને ચાલતા-બોલતા શીખવ્યું છે તો તેમનું વૃદ્ધાવસ્થામાં ધ્યાન રાખજો. માવતરના આંસૂ લૂછજો. સ્થાનકનો સમાજમાં શું રોલ છે ? સૌથી પહેલાં પરિવહારપ્રિય બનો. પ્રેમ ગાઢ હોય ત્યારે દોષ પાતળા થઈ જાય તે પાણીમાંની રેખા જેવો થઈ જાય. તમે ઘરમાં છો ત્યારે સ્વર્ગ કે તમે ઘરમાંથી બહાર જાવ ત્યારે સ્વર્ગ છે એ નક્કી કરવાનું છે. ઘર-પરિવાર-કુટુંબ-સમાજ-સંઘ માટે રોલ કલ્પધરના દિવસે નક્કી કરવાનો છે. મર્યાદામાં રહીને આપણે આરાધના કરવાની છે.
ભગવાન રામચંદ્રજી અને ભગવાન મહાવીર સ્વામી પણ પોતાનું કર્તવ્ય નથી ચૂક્યા ત્યારે આપણે દરેકે કર્તવ્ય પાલન કરીને જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
હું કોણ છું ? મારું કર્તવ્ય શું છે ?
અમેરિકન ઉદ્યોગપતિ હુકર હેલિકોપ્ટર લઈને જતા હતા ત્યારે યાંત્રિક ખામીની ખબર પડી. એટલે તાકિદે લેન્ડીંગ કરવાનું નક્કી કર્યું. હેલિકોપ્ટરનું ઉતરાણ થયું. હુકરે જોયું તો ત્યાં સૂમસામ વનવગડો હતો. ત્યાં ધીમા પાણીનો અવાજ સંભળાયો એટલે થોડી આશા બંધાઈ. હુકર અવાજની દિશામાં ચાલતા ખેડૂતને મળ્યા. ગામડામાં ખેડૂતે હુકરનો આતિથ્ય સત્કાર કર્યો. ખેડૂત પૂછે છે કે May I Help You ? અહીં કોઈ એરપોર્ટ કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન છે ? એનો જવાબ ખેડૂત Dont know આપે છે. ત્યારે હુકર કહે છે કે I think you dont know any thing? એના જવાબમાં ખેડૂત કહે છે કે Sir, I know more than you. એટલે હુકરને ગુસ્સો આવે છે કે What ? you know more than me ? ત્યારે ખેડૂત કહે છે કે Sir, i know Where I am you dont know whera you are. મને ખબર છે કે હું ક્યાં છું પણ તમે એ જાણતા નથી કે તમે ક્યાં છો ? આજના કલ્પધરના દિવસે બધાએ વિચારવાનું છે કે હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે ?
તીર્થંકર પરમાત્મા ! મન મૂકીને વરસો
ગુજરાતી ભાષાનો વૈભવ સમજાવતાં જણાવ્યું હતું કે વરસાદને આવકારીએ, આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ છે. ઈંગ્લીામાં `રેઈન રેઈન ગો અવે’ છે, ગુજરાતીમાં અંકે રૂપિયા સો પૂરા, અંગ્રેજીમાં વન લેખ ઓનલી. વરસાદને કોરા, ઝીણો, ઝરમરિયો, ઝાપટા, રેલા, મુશલધાર, અનરાધાર, સાંબેલાધાર, સૂપડાધાર, ઢેફાભાંગ, પુષ્કરાવર્તમેઘ, હેલી વરસે છે. બાર પ્રકારના વરસાદ છે. ખૂબ વરસાદ આવે છે ત્યારે બારે મેઘ ખાંભા કહેવાય છે. આપણે તીર્થંકર પરમાત્માને વિનંતી કરીએ કે…
તમે મન મૂકીને વરસો,
અમને ઝાપટાં નહીં ફાવે.
અમે હેલીના માણસ છીએ,
અમને માવઠું નહીં ફાવે.