સ્ટીલનો ઉપયોગ થયો હોત તો શિવાજીની પ્રતિમા ધરાશયી ન થઇ હોત: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રીએ વિવાદને વધુ હવા આપી
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ ફોર્ટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માત્ર આઠ મહિનામાં ધરાશાયી થવા બદલ રાજ્ય સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર તેમજ નબળા બાંધકામના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપેલા એક નિવેદનને કારણે વિવાદ વધુ વકરવાની સંભાવના છે.
ગડકરીએ કહ્યું કે જો પ્રતિમાના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થયો હોત તો આ દુર્ઘટના ન બની હોત. તેમણે સમુદ્ર નજીક બનતા પુલોના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.પોતે રાજ્યના મંત્રી હતા તે સમયના અનુભવોનું તેમણે વર્ણન કરતાં તેમણે કહ્યું કે એ સમયે મુંબઈમાં 55 ફ્લાય ઓવર બનતા હતા ત્યારે એક વ્યક્તિએ લોખંડના પાઇપ ઉપર પાવડરનો છંટકાવ કરી એ પાવડર કાટ પ્રતિરોધક હોવાનું જણાવ્યું હતું પરંતુ તે પછી પણ તેમાં કાટ લાગી ગયો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે સમુદ્રની 30 kmની ત્રિજ્યામાં બનતા તમામ રસ્તાઓના બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ કરવો જોઈએ. જો શિવાજીની પ્રતિમામાં સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ થયો હોત તો ધરાશય થવાની આ ઘટના ન બની હોત. ગડકરીએ પરોક્ષ રીતે આ પ્રતિમાના બાંધકામમાં થયેલી ક્ષતિઓ દર્શાવ્યા બાદ રાજ્ય સરકાર વધુ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે.
‘શિલ્પકાર ‘ આપ્ટે દસ દિવસ થયા છતાં પકડાતો નથી
શિવાજીની પ્રતિમા ધરાશયી થવાની ઘટનાને પગલે રાજ્ય સરકાર બેકફુટ પર આવી ગઈ છે. મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માફી માગ્યા બાદ પણ આ મુદ્દો વધુને વધુ તુલ પકડી રહ્યો છે. તેમાં પણ આ મૂર્તિ બનાવનાર શિલ્પકાર જયદીપ આપ્ટે ઘટનાના દસ દિવસ થયા છતાં ન પકડાતા સરકારને ઘેરવાનું વિપક્ષોને વધારાનું શસ્ત્ર મળી ગયું છે. નોંધનીય છે કે આપ્ટે ની ઉંમર માત્ર 24 વર્ષની છે.
આવડી મોટી પ્રતિમા બનાવવાનો તેને કોઈ અનુભવ નહોતો. આ અગાઉ તેણે મોટામાં મોટી બે ફૂટની પ્રતિમા બનાવી હતી.આપ્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે સાથે સંકળાયેલો હોવાને કારણે એ બિનઅનુભવી વ્યક્તિને કામ સોપાયું હોવાનો વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપ્ટેને કોણ બચાવી રહ્યું છે તેઓ સવાલ કરવામાં આવ્યો હતો. સંજય રાઉતે તો કહ્યું કે આપ્ટે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં જ છુપાયો હોવાની લોકો શંકા કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ દેવેન્દ્ર ફડણવિસ અને પોલીસ વડા રશ્મિ શુકલાના રાજીનામાની માગણી કરી હતી. એનસીપી ( શરદ પવાર) ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે આપ્ટે ક્યાં છે તેનો જવાબ દેવેન્દ્ર ફડણવિસે આપવો જોઈએ.
શિવાજીએ સુરત લૂટ્યું નહોતું: ફડણવીસ શિવાજીએ સુરત લૂંટ્યું હતું: નારાયણ રાણે
પ્રતિમા ધરાશયી થવાની ઘટનાને વિપક્ષો શિવાજી મહારાજના અપમાન સમાન ગણાવી રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડાણવીસે
શિવાજી મહારાજનું કોંગ્રેસે કદી સન્માન ન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુએ તેમના ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકમાં શિવાજી મહારાજ અંગે ખોટી માહિતીઓ લખી હતી અને કોંગ્રેસે શિવાજી મહારાજની વિરાસત ને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શિવાજીએ ક્યારેય પણ સુરત લૂંટ્યું ન હોવાનો ફડાણવીસે દાવો કર્યો હતો. જો કે બીજી તરફ ભાજપના જ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ફડણવીસના દાવાને ખોટો સાબિત કર્યો હતો. મુંબઈમાં ભારતીય જનતા પક્ષના વડામથકે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હું ઇતિહાસવિદ નથી પરંતુ પ્રખ્યાત ઇતિહાસકાર બાબાસાહેબ પુરોદર ને મેં વાંચ્યા અને સાંભળ્યા છે અને તેના પરથી એવું લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજ એ સુરતને લૂંટ્યું હતું.