રાજકોટનો કોટેચા ચોક…અહીંથી પસાર થવું એટલે ‘સજા’
- જ્યાં મીગ વિમાન મુકાયું છે ત્યાં હવે સાચે જ વિમાન લઈને જ નીકળવું પડે તેવી નોબત…!
- સવાર-સાંજ જાણે કે કારનું પાર્કિંગ હોય તેવી રીતે થાય છે ખડકલા: ટુ-વ્હીલર ચાલકો તો એવા ફસાય છે કેરસ્તો’ જ નથી જડતો
- વોઈસ ઓફ ડે’એ આ ન્યુસન્સને દૂર કરવા અનેક સુચન આપ્યા પણ તંત્રએ માત્રને માત્ર બણગા જ ફૂંક્યે રાખ્યા
- છેલ્લા એક સપ્તાહથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફથી કેકેવી સર્કલ તરફ ભયાનક ટ્રાફિકજામ છતાં સંચાલન માટે મુકાયા છે માત્ર ત્રણ વૉર્ડન
રાજકોટમાં ગમે એટલા મ્યુનિસિપલ કમિશનર બદલાય કે ગમે એટલા પોલીસ કમિશનર બદલાય કે પછી ગમે એટલા ટ્રાફિક ડીસીપી બદલાય ટ્રાફિક સમસ્યા ક્યારેય બદલાવાનું નામ લઈ રહી નથી ! અમુક અમુક વિસ્તારોમાં તો એ હદે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે જાણે કે લોકોને રીતસરનીસજા’ મળી રહી હોય ! આવો જ એક વિસ્તાર છે કોટેચા ચોક…આમ તો આ રોડને ગૌરવપથ ગણીને તંત્રવાહકો પોતાની છાતી ગજ ગજ ફુલાવી રહ્યા છે પરંતુ જો તેઓ એકાદ વખત અહીંથી પસાર થાય અને ટ્રાફિકજામમાં ફસાય તો તેમની છાતીના પાટિયા ઘડીના છઠ્ઠા ભાગમાં બેસી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી !! વળી, મોટા ઉપાડે અહીં મીગ વિમાન મુકવામાં આવ્યું છે જે જોઈને લોકો કહી રહ્યા છે કે હવે તો સાચે જ અહીંથી વિમાન લઈને નીકળવું પડશે !
વોઈસ ઓફ ડે’ દ્વારા તા.૪-૯-૨૦૨૪ના ડ્રોન મારફતે કોટેચા ચોકમાં ટ્રાફિક જામની તસવીર લેવામાં આવી છે.
પ્રથમ દૃષ્ટિએ આ તસવીર જુઓ તો એમ જ લાગશે કે આ કોઈ કારનું પાર્કિંગ છે પરંતુ એવું બિલકુલ નથી. આ તસવીર તો લોકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ટ્રાફિકજામમાં ફસાઈ ગયા છે તેની છે !! બેશરમ તંત્રવાહકોએ આ તસવીરને નીરખીને જોવી જોઈએ કેમ કે તેમના પાપે જ અત્યારે લોકો આ સમસ્યા ભોગવી રહ્યા છે. કોટેચા ચોકમાં સવાર-સાંજ ભાગ્યે જ એવું બનતું હશે કેઆ રીતનો ટ્રાફિકજામ થઈ રહ્યો ન હોય.વોઈસ ઓફ ડે’ દ્વારા આ ન્યુસન્સને દૂર કરવા અનેક સુચનો આપ્યા પરંતુ તંત્રએ માત્રને માત્ર બણગા ફૂંકીને પોતાનું ઉલ્લું સીધું કરવાનું જ મુનાસીબ માન્યું હતું.
છેલ્લા એક સપ્તાહથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફથી કેકેવી સર્કલ તેમજ ઈન્દીરા સર્કલ તરફ જનારા વાહનોને ટ્રાફિકજામના રૂપમાં તાલીબાની સજા મળી રહી છે પરંતુ તંત્રવાહકોના પેટનું પાણી હલવાનું નામ લઈ રહ્યું નથી. અહીં ટ્રાફિક સંચાલન માટે બે-ત્રણ વોર્ડન અને બે ટ્રાફિક પોલીસ મેનને મુકી દેવામાં આવ્યા છે જેમનું કશું જ ઉપજી રહ્યું નથી. પરિણામે લોકોને પોતાની પીઠ પર આ ચાબુક દરરોજ ખમવી પડી રહી છે.
ડીસીપી ટ્રાફિકે કહ્યું, કંઈક રસ્તો કાઢશું !
`વોઈસ ઓફ ડે’ દ્વારા આ અંગે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અંગે કંઈક રસ્તો કાઢવામાં આવશે. જો કે શું રસ્તો કાઢવામાં આવશે તેને લઈને તેમણે કોઈ જ પ્રકારનો ફોડ પાડ્યો ન્હોતો. તેમણે પણ સ્વીકાર કર્યો કે કોટેચા ચોકમાં ટ્રાફિકજામ થઈ રહ્યાની ફરિયાદો પોલીસને મળી રહી છે. જો આટઆટલી ફરિયાદો મળી રહી હોય તો પછી શા માટે કાર્યવાહી કરવામાં આવતી ન હોય તે પણ એક યક્ષપ્રશ્ન છે ! શું પોલીસ પાસે આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં હોય કે પછી તેને લોકોને આ સજામાંથી મુક્તિ મળે તેની ઈચ્છા નહીં હોય ? આ રોષ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
બને એટલી ઝડપથી પોલીસ સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરાશે: આજે જ ટીમને તપાસ માટે મોકલીશ
મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ પોલીસ કમિશનર સાથે ટ્રાફિક સંબંધિત બેઠક મળી ત્યારે મહાપાલિકા દ્વારા કહેવાયું હતું કે કોઈ સર્કલ નાનું કરવાથી ટ્રાફિક સમસ્યા ઘટી શકે તેમ હોય તો સૌથી પહેલાં તેને નાનું કરાશે. કોટેચા ચોક સર્કલ નાનું કરવાની જરૂરિયાત ઘણા સમયથી વર્તાઈ રહી છે એટલા માટે બને એટલી ઝડપથી પોલીસ સાથે સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન હું આજે જ ટીમને સ્થળ પર તપાસ કરવા માટે મોકલીશ.