રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી…જુઓ વીડિઓ..
સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મંગળવારે સામાન્ય જનતા માટે મંદિર ખુલ્લું મુકાયું તે સાથે જ હજારો ભાવિકો શ્રી રામલલ્લાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર સવારે સાત વાગ્યે ખુલવાનું હતું પરંતુ કડકડતી ઠંડી વચ્ચે પણ રાત્રે 3 વાગ્યાથી જ દર્શનાર્થીઓ કતારો લગાવી અને પ્રવેશદ્વાર સામે ઊભા રહી ગયા હતા. મંદિરના દ્વાર ખુલતા ની સાથે જ અભૂતપૂર્વ ઘસારો થતાં થોડીવાર માટે ધક્કા મુક્કી અને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા. સવારે 10 વાગ્યે મંદિર પરિસરમાં ઊભા રહેવાની જગ્યા પણ ન રહેતા પ્રવેશ દ્વાર બંધ કરી અને માત્ર વૃદ્ધો અને મહિલાઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો. નોંધનીય છે કે 20 મી તારીખથી સામાન્ય જનતા માટે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું અને બહારના લોકોને અયોધ્યામાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ સંજોગોમાં મંગળવારે સ્થાનિક લોકો તેમજ બહાર ગામના યાત્રાળુઓ ઉમટી પડતા આ અભૂતપૂર્વ ઘસારો થયો હતો.
દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અંગે નું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું હતું. તે મુજબ સવારે સાત થી 1.30 અને બપોરે 2 વાગ્યાથી 6.38 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. ભગવાનને દરરોજ છ આરતી કરવામાં આવશે. જેમાં મંગલા, શૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આરતી નો સમાવેશ થાય છે. અત્યાર સુધી બે જ આરતી કરવામાં આવતી હતી. પ્રભુને ભોગમાં પુડી, સબ્જી અને ખીર ધરવામાં આવશે તે ઉપરાંત દર કલાકે ફળ,દૂધ અને પેંડાનો ભોગ ધરવામાં આવશે.
વીઆઈપી મહેમાનોએ દર્શન લાભ લીધો
સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા અને સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા તે પછી એ પ્રસંગે વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેલા વીઆઈપી મહેમાનોએ રામલલ્લા ના દર્શન કર્યા હતા. બાદમાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા સુરક્ષા દળના કર્મચારીઓ તેમજ મીડિયા કર્મીઓએ પણ દર્શન લાભ લીધો હતો. મોટાભાગના વીઆઇપી મહેમાનો સોમવારે રાત સુધીમાં રવાના થઈ ગયા હતા. એ મહેમાનોની અવરજવર માટે અનામત રખાયેલા બે રૂટ ઉપર પણ તેમની ઝલક મેળવવા માટે લોકો એકત્ર થઈ જતા સુરક્ષા કર્મચારીઓને દોડાદોડી થઈ ગઈ હતી.
મક્કા અને વેટિકનને પણ અયોધ્યા પાછળ રાખી દેશે
અયોધ્યામાં રામનિર્માણને કારણે ભારતનો પર્યટન ઉદ્યોગ નવી ઊંચાઈ સર કરશે તેવું પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ જેફ્રીઝ ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ અયોધ્યા પર્યટનના સંદર્ભમાં મક્કા અને વેટિકન ને પણ પાછળ રાખી દેશે. દર વર્ષે પાંચ કરોડ યાત્રાળુઓ અને પર્યટકો અયોધ્યાની મુલાકાત લેશે તેવો અંદાજ એહવાલમાં આપવામાં આવ્યો છે.