- મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પી.એમ કરવા તજવીજ
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક આવેલી એચ.સી.જી હોસ્પિટલમાં સાયલાના હડાળા ગામની મહિલાનું મણકાના ઓપરેશન બાદ મોત નિપજ્યું હતું. પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના અક્ષેપો કરાતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ દોડી જઇ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પી.એમ કરવા તજવીજ હાથ ધરી હતી.
વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પથકના હડાળા ગામે રહેતા સોનીબેન મંગાભાઈ રાઠોડ (ઉ.વ.40) ને કમરમાં દુખાવો થતો હોવાથી સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં બતાવતા મણકાની નસ દબાતી હોવાનું જાણવા મળેલ.જેથી તેઓ વધુ નિદાન માટે રાજકોટ અયોધ્યા ચોક નજીક આવેલી એચસીજી હોસ્પિટલમાં એક મહિના પહેલા આવતા ડોક્ટરે તપાસ કરી દવા આપી હતી. છતાં પણ તેઓને દુખાવામાં રાહત ન મળતાં ફરીથી હોસ્પિટલ ખાતે તપાસ માટે અવ્યા ત્યારે ડોકટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું. જે બાદ સોમિબેનને ગત તા.૧ જૂને એચ.સી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તા.૩ જૂનના તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ ડોક્ટર દ્વારા ઓપેરેશન બરાબર થઈ ગયું છે તેવી માહિતી પરિવારને આપવામાં આવી હતી.
મૃતકના પતિના જણાવાય મુજબ, ઓપરેશનના દિવસે સાંજના સમયે ડોક્ટર દ્વારા કેહવામાં આવ્યું હતું કે, સોમીબેનની તબિયત સારી નથી તેઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડશે. વેન્ટિલેટર બાદ તેઓ કોમામાં ચાલ્યા ગયા છે તેવું કેહવામા આવ્યું હતું. જે બાદ પરિવારે મહિલાની તબિયત તબીબ પાસે માહિતી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે, વેન્ટિલેટર કાઢી લઈએ એટલે બે-ત્રણ કલાક જીવ રહેશે તમે ઘરે લઇ જઈ શકો છો. પરિવારે ઘરે લઈ જવાના ના પાડી હતી. દરિમયાન સોમીબેનનું મોત નીપજતાં હોસ્પિટલમાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કર્યો હતો.
બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ સમગ્ર બનાવ વિશે જાણીને મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડી મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.સોમીબેનના મોતથી ત્રણ દીકરાએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.