આવ રે વરસાદ….સુરત, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુરમાં મેઘરાજાની એન્ટ્રી
- પ્રી-મોન્સુન એટીવીટીને કારણે વરસાદ વરસતા લોકોને ગરમીમાં મળી આંશિક રાહત
વોઇસ ઓફ ડે, રાજકોટ
ઉનાળામાં અસહ્ય ગરમી સહન કર્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસાનું ધીમી ગતીએ આગમન થઈ રહ્યું છે અને પ્રી-મોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદ પદી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી અને તે મુજબ પંચમહાલ, છોટા ઉદેપુર, સાપુતારા, વલસાડમાં વરસાદ પડ્યો હતો.
ચાલુ વર્ષે રાજ્યમાં આગ ઝરતી ગરમીએ લોકોને પરેશાન કરી મૂક્યા છે. લોકો હવે ચોમાસાની રાહ જોઈને બેઠા છે. જૂન મહિનો ચાલુ થઈ ગયો અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી. તે પ્રમાણે શનિવારે સવારથી જ છોટા ઉદેપુર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કવાંટ તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વાપી, ઉમરગામ, સેલવાસ અને દમણમાં સવારે ધીમી ધારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી વહ્યા હતા. તો બીજી તરફ વરસાદના આગમન સાથે વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સુરતમાં પણ વાતાવરણ પલટાયું હતું. બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, પાલસાણામાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ જતાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી.
બીજી તરફ ગિરિ મથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો. પર્વત પર ધુમ્મસ છવાઈ જતાં અદ્દભુત નજારો લોકોને જોવા મળ્યો હતો. સપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા સાપુતારમાં આવેલા પ્રવાસીઓએ વરસાદની મોજ માણી હતી. જ્યારે પંચમહાલના કલોલમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.