મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણે કહ્યું ? વાંચો
કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા 40 ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે. શિંદે અને અજીત પવાર જુથના આ બધા ધારાસભ્યો છે. આમ મહારાષ્ટ્રમાં રાજકીય ખેલો થવાની શક્યતા છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વાડેટ્ટીવારે કહ્યું હતું કે, “મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ‘ઘર વાપસી’ માટે કોંગ્રેસ અને એનસીપી તથા એસપીના સંપર્કમાં છે.”
વાડેટ્ટીવારે કહ્યું, “અમને વિશ્વાસ છે કે મહા વિકાસ અઘાડી – કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાસરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન – મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં આવશે.” રાજ્યમાં 288 સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે એમવીએ 150 રાજ્ય વિધાનસભા સેગમેન્ટમાં આગળ હતું જ્યારે મહાયુતિએ તેમાંથી 130માં લીડ મેળવી હતી.
એમણે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના 40 ધારાસભ્યોને અહેસાસ થયો કે એમવીએ સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.
વિજય વડેટ્ટીવારનું આ નિવેદન શરદ જુથના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના લગભગ 19-20 ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે.