રાજકોટમાં કાર ભાડે મૂકવાના નામે ત્રિપુટીએ 1 કરોડની છેતરપિંડી કરી
પેટા : રૈયારોડ પર આવેલા કનૈયા કેબ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ 13 કાર પડાવી ગીરવે મૂકી દીધી : ઊચું ભાડું આપવાનું કહી લોકોને શીશામાં ઉતારતા , યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં રૈયારોડ પર આવેલી કનૈયા કેબ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પેઢીના ત્રણ સંચાલકોએ 13 લોકોને ઊચું ભાડું આપવાની લાલચ આપી શિશામાં ઉતારી તેમની પાસેથી કાર પડાવી હતી. અને તે કારને ગીરવે મૂકી રૂપિયા એક કરોડની છેતરપિંડી કર્યાનું બહાર આવતા યુનિવર્સિટી પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ રાજકોટમાં રૈયાગામ ચાંદની મંડપ સર્વીસની બાજુમાં રહેતાં જાવીદશા ઇસ્માઇલશા શાહમદાર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શ્લોક મોનલ શુકલા, હર્ષિલ મોનલ શુકલા અને અમીત મધુકર ત્રિવેદીનું નામ આપતાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તે રૈયારોડ ઉપર ખોડીયાર હોટલ બેસવા જતો ત્યારે નાગેશ્વર સોસાયટીમાં રહેતાં શ્લોક શુક્લા સાથે ઓળખાણ થતાં બંને સાથે મળીને સિરામીક કપનો ધંધો કરતાં હતાં.ત્યારબાદ શ્લોકે પોતાના નામે એક કનૈયા કેબ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સી ચાલુ કરી હતી. તેની પાસે એક અર્ટીગા ગાડી હતી. જે ભાડામાં ચલાવતો હતો, ત્યારબાદ તેણે ફરિયાદીને ગાડી ખરીદી ભાડે મૂકવાનું કહ્યું હતું અને 32 હજાર ભાડું આપવાની પણ વાત કરી હતી.
ત્યાર બાદ તેને આજ રીતે ફરિયાદી અને તેમના સગા-સબંધીઓ પાસે ગાડીની ખરીદી કરાવી તે કારને ગીરવે મૂકવી હતી. અને ભાડું આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદી તેમના સગા-સબંધીઓ સાથે શ્લોક પાસે ગાડીઓ પરત માંગવા જતા તેણે કહ્યું હતું કે,મારે પૈસાની જરૂર હોય જેથી આ બધી ગાડીઓ અલગ અલગ જગ્યાએ ગીરવે તથા વેચી દીધી છે. જેથી શ્લોકના માતા પિતાને આ બાબતની વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેનો દીકરો શ્લોક આ સિવાય અન્ય પણ ગાડીવાળાઓની ગાડીઓ ભાડે રાખી જે ગાડીઓને બારોબાર અન્ય ગ્રાહકોને વેચી તેમની પાસેથી પૈસા લીધા હતા અને જે ગાડીઓ ગીરવે મૂકી દીધી હતી. આમ શ્લોકે તેના ભાઈ હર્ષિલ અને અમિત સાથે મળી 13 ગાડીઓને ગીરવે મૂક્યાનું ખૂલતાં યુનિવર્સિટી પોલીસને બનાવની જાણ કરી હતી. અને આ મામલે પોલીસે ત્રિપુટી સામે કુલ રૂ.1.09 કરોડની છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.