સમરસ બોયઝ હોસ્ટેલમાં કોલેજિયન યુવકે કરી આત્મહત્યા
જૂનાગઢના યુવકે ગામથી હોસ્ટેલમાં આવ્યાના ત્રીજા દિવસે ભર્યું પગલું : રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી , કારણ અંગે રહસ્ય
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા જૂનાગઢના 22 વર્ષીય કોલેજિયન યુવકે પોતાના પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતાં મૂળ જૂનાગઢના મહેશ રતિલાલ શેખવા (ઉ.વ.22) એ હોસ્ટેલના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવની સાથે રહેતાં અન્ય છાત્રને જાણ થતાં તુરંત 108 ને જાણ કરતાં 108 ના સ્ટાફે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસને જાણ થતાં એએસઆઈ વાય.ડી.ભગત સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસે બનાવ અંગે મૃતકના જૂનાગઢ રહેતાં પરિવારને પણ જાણ કરતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે,મૃતક બે ભાઈમાં મોટો હતો અને રાજકોટમાં રહી તે સોલાર કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.2 ના તે વતન જૂનાગઢ આવ્યો હતો અને ત્રણ દિવસ પહેલાં તે પરત રાજકોટ આવી તેમની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાનું સામે આવ્યું હતું.