મહેમાન બની આવેલો કૌટુંબિક ભાઈ ચોર નીકળ્યો : 2 લાખના ઘરેણાં ઉઠાવી લીધા
નંદાહોલ પાસે અર્જુન પાર્કનો બનાવ : પુત્રની મુંડનવિધિમાં ભાઈને આમંત્રણ આપ્યું હતું : સીસીટીવી આધારે ભક્તિનગર પોલીસે તસ્કરને પકડ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં નંદા હોલ પાછળ અર્જુન પાર્ક સામે રહેતાં ગેરેજ સંચાલકના ઘરે મહેમાન બની આવેલા તેના જ કૌટુંબિક ભાઈએ ચોરીને અંજામ આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં ગેરેજ સંચાલકના ઘરે તેના પુત્રની મુંડનવિધિનો કાર્યક્રમ હોવાથી ભાઈને આમંત્રણ આપ્યું તો તેનો ભાઈ કાર્યક્રમમાં આવી મહેમાન ગતિ માણીને બે લાખના સોનાના ઘરેણાં ઉઠાવી જતાં ભક્તિનગર પોલીસે તેને પકડ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરમાં નંદાહોલ પાછળ ખોડિયાર નગર મેઈન રોડ પર અર્જુન પાર્કની સામે રહેતા પાર્થ નરેન્દ્રભાઈ ડોબરીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં તેના કૌટુંબિક ભાઈ નવદીપ રાજેશ ડોબરીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ ગેરેજ ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.તેમના ઘરે ગત તા.28-07 ના પુત્રના બાલ મોવાળાની વિધિ રાખી હોય જેથી પરીવાર તેમજ સગા સબંધીઓને આમંત્રિત કર્યા હતાં. પ્રશંગમાં 100 થી વધું મહેમાનો આવ્યાં હતાં.પ્રસંગ હોવાથી તેઓએ પોતાના ગળામાં સોનાનો ચેઇન પહેર્યો હતો અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેને સોનાનો હાર અને વિંટી કબાટમાંથી કાઢી સેટી પર રાખ્યાં હતાં.દરમિયાન બપોરના ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીના સમયગાળામાં તેમના ગળામાંથી સોનાનો ચેઇન રૂ.50 હજારનો અચાનક ગાયબ થતાં દોડધામ મચી હતી. બાદમાં તેઓએ તપાસ કરતાં તેમની પત્નીના સેટી પર રાખેલ સોનાનો હાર રૂ.1.20 લાખ અને સોનાની વિંટી રૂ.25 હજારની પણ ગાયબ હતી.જેથી પરિવારે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં તેમના કાકાનો પુત્ર નવદીપ ડોબરીયા તેમના ગળામાંથી અને સેટી પરથી દાગીના લઈ જતો જોવા મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.અને આ મામલે ભક્તિનગર પોલીસે કુલ રૂ.1.90 લાખના દાગીનાની ચોરીની ફરીયાદ નવદીપ ડોબરીયા સામે નોંધી તેની ધરપકડ કરી હતી.