બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઈ વિદેશમંત્રી જય શંકરે શું કહ્યું ? વાંચો
- શેખ હસીના હાલ તુરત ભારતમાં જ રહેશે, એમણે મદદ માંગી હતી
- બાંગ્લા દેશમાં હિન્દુઑ પર હુમલા ચિંતાનો વિષય; વિદેશ મંત્રી
- સંસદના બંને ગૃહોમાં જય શંકરે માહિતી આપી ; ભારતીયો સાથે સરકાર સંપર્કમાં, બાંગ્લાના આર્મી વડા સાથે સુરક્ષા અંગે વાત થઈ છે,9 હજાર સ્ટુડન્ટ ત્યાં છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે, અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે મંગળવારે સંસદના બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘અમે ઢાકાના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ત્યાંની એજન્સીઓને કહેવામાં આવ્યું છે.’ હિન્દુઓના બિઝનેસ મથકો અને મંદિરો પર હુમલા થયા છે. પોલીસ પર હુમલા થઈ રહ્યા છે. અત્યારે ત્યાં 19 હજાર ભારતીયો છે. 9 હજાર સ્ટુડન્ટ છે.
એમણે એવી માહિતી આપી હતી કે શેખ હસીનાએ ભારત આવવા મંજૂરી માંગી હતી અને તેનો સરકારે સ્વીકાર કર્યો હતો. હાલ તુરત તેઓ ભારતમાં જ રહેશે. એમને આગળ શું કરવાનો પ્લાન છે તે વિચારવા સમય અપાયો છે. અહીં તેઓ સુરક્ષિત હાઉસમાં છે.
તેમણે રાજ્યસભામાં કહ્યું કે, ‘બાંગ્લાદેશ આપણી ખૂબ નજીક છે અને જાન્યુઆરીથી ત્યાં હોબાળો ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં જૂન-જુલાઈમાં હિંસા શરુ થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. ક્વોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે. ચોથી ઑગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. ત્યાં મોટાભાગના લઘુમતીઓ પર હુમલા થયા છે, જે ચિંતાનો વિષય છે.’
તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા થઈ રહી છે. 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે ચુકાદો આપ્યો હતો, તેમ છતાં વિરોધ-પ્રદર્શન થતાં રહ્યા. ત્યારબાદ ચોથી ઑગસ્ટે ફરી હિંસા શરુ થઈ. દેખાવકારોએ પોલીસ પર હુમલા કર્યા, જાહેર સંપત્તિને નુકસાન કર્યું, પછી પાંચમી ઑગસ્ટે કર્ફ્યુ લગાવાયો તેમ છતાં રસ્તાઓ પર માર્ચ કાઢવામાં આવી.