બે સગા ભાઇ અને તેના બનેવીનું કારસ્તાન હોવાનો યુવકના પરિવારજનોનો આક્ષેપસોના-ચાંદીના ધંધામાં રોકાણ કરાવી ૫૦%નો ભાગ તેમજ વ્યાજની માંગ કરી અપહરણ કર્યા બાદ સોનુ પડાવી લીધું
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળનો યુવક રાજકોટ આવી ગયો‘ને ભર્યું અંતિમ પગલું
સંતોષ પાર્ક મેઈન રોડ પર દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટનો બનાવ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સંતોષ પાર્ક મેઈન રોડ પર આવેલા દસ માળના દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટના દસમા માળેથી છલાંગ લગાવી ૨૧ વર્ષીય યુવકે આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી હતી. યુવકના આપઘાત પાછળ ભાગીદારોએ કરેલો `દગો’ તેમજ અનહદ ત્રાસને કારણે ડિપ્રેશન કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મુળ વેરાવળમાં રહેતો મિત અંકિતભાઈ માંડલિયા (ઉ.વ.૨૧)એ બુધવારે રાત્રિના સમયે દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટના દસમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જ્યારે તેણે કુદકો માર્યો ત્યારે ફ્લેટમાં કોઈ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. તેણે જ્યાંથી આ અંતિમ પગલું ભર્યું તે ફ્લેટ તેના ફુઆ મનદીપભાઈ અરુણભાઈ ચરડવાનો છે.
પોલીસની પ્રારંભિક તપાસ પ્રમાણે મિતે ભાગીદારીમાં ધાર્મિક હરેશભાઈ જોષી, તેનો ભાઈ ગૌરાંગ જોષી અને બનેવી સંજય વ્યાસ સાથે સોના-ચાંદીનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાયમાં મિતે પણ રોકાણ કર્યું હતું. જો કે ત્રિપૂટી દ્વારા તેમણે કરેલા રોકાણના બદલામાં મિત પાસેથી વ્યાજની ઉઘરાણી તેમજ ધંધામાંથી ૫૦%ની ભાગીદારી માંગી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: પેલેસ રોડ પર જૈન દેરાસરમાંથી ૪૩.૨૯ લાખની ચોરી કરનાર તસ્કરો પકડાયા
આટલુ ઓછું હોય તેમ મિતનું અપહરણ કરી તેને ગડુ નજીક લઈ ગયા હતા જ્યાં તેને ઢોરમાર મારી ૧૫ તોલા જેટલુ સોનું પણ પડાવી લીધું હતું આમ છતાં વારંવારની ઉઘરાણીથી કંટાળી મિતે ઘર છોડી દેતાં તેના પરિવારજનો દ્વારા વેરાવળ સિટી પોલીસ મથકમાં ગુમ થયાની અરજી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જ્યારે મિતની તપાસ કરાઈ ત્યારે તેનું લોકેશન ચંદીગઢ નીકળ્યું હતું. મિત ત્રણ દિવસ પહેલાં રાજકોટ તેના ફુવાના દર્શનસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ પર આવી ગયો હતો. ત્રણ દિવસથી તે સુનમુન જ રહેતો હતો. જ્યારે પિતા સહિતનાને જાણ થઈ તો તેઓ તુરંત જ રાજકોટ દોડી આવ્યા હતા પરંતુ મિત સાથે મુલાકાત થાય તે પહેલાં જ તેણે દસમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દરવાજો તોડી નાખ્યો, મિતને બચાવવા સુધી પહોંચી ગયા પણ ફોર્સથી કૂદકો મારતાં ટી-શર્ટ જ હાથમાં આવ્યું !
બનાવ સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે મિતને શોધતાં શોધતાં પરિવારજનો જ્યારે ફ્લેટ પર આવ્યા ત્યારે તેના ચપ્પલ બહાર પડેલા જોયા હતા. આ પછી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા તે બંધ હોય તેને તોડી નાખ્યો હતો. આ સમયે મિત કૂદકો મારવાની તૈયારીમાં જ હોય ભાવિનભાઈ સહિત બે વ્યક્તિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મિતે ફોર્સથી કૂદતો મારતાં તેનું ટી-શર્ટ જ હાથમાં આવ્યું હતું
