બે દિવસમાં બેના ડેન્ગ્યુની બીમારીથી મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ
રાજકોટમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિન-પ્રતિદિન ડેન્ગ્યુ સહીતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગઇકાલે જ એક યુવકનું ડેન્ગ્યુની બીમારીથી મોત થયું હતું ત્યારે વિજય પ્લોટમાં રહેતા પરિવારની 10 વર્ષની બાળકીનું ડેન્ગ્યુની બિમારી સબબ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
મળતી વિગતો મુજબ શહેરમાં વિજય પ્લોટમાં રહેતા મોહિતભાઇ જરીયાની પુત્રી નિરાલી મોહિતભાઇ જરીયા નામની 10 વર્ષની બાળકીની 3 દિવસ પૂર્વે તબિયત લથડતા પરિવાર દ્વારા રાજનગર ચોકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જયા તબિબ દ્વારા બાળકીનો રિપોર્ટ કરવામાં આવતા બાળકી ડેન્ગ્યુની બિમારીમાં સપડાઇ હોવાનું રિપોર્ટમાં ખુલ્યુ હતું.બાળકીની તબિયત લથડતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહી બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.મૃતક નિરાલી બે બહેનોમાં મોટી હતી.