લો બોલો ! ચોરી કર્યા બાદ ખૂની હુમલો કરનાર તસ્કરો જ વૃદ્ધને હોસ્પિટલે લઈ ગયા : સારવારમાં મોત
રાજકોટના કોઠારિયા રોડ પર જયનગરમાં એક વિચિત્ર બનાવ બનવા પામ્યો હતો. અહીં મધરાત્રે ચાર તસ્કરો રિક્ષા લઈને ડેલામાં ચોરી કરવા આવ્યા હતા. ચારેય ચોરી કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે વૃદ્ધે પ્રતિકાર કરતાં તેના ઉપર છરીથી હુમલો કરી દેતાં વૃદ્ધ ત્યાં જ ઢળી પડયા હતા. આ પછી ચારેય તસ્કરો જ ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ત્યાં વૃદ્ધનું પ્રાણપંખેરું ઉડી જતાં ચારેયે મુઠ્ઠી વાળી હતી પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેયને દબોચી લીધા હતા.
આ અંગે મૃતક દેવશીભાઈ સોલંકીના પુત્ર રાહુલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ડિપ્લોમાનો કોર્ષ કર્યા બાદ તે લાપાસરી રોડ ઉપર ઈંટના ભઠ્ઠામાં મજૂરીકામ કરે છે. જ્યારે તેમના પિતા દેવશીભાઈ સોલંકી (ઉ.વ.62 ) નિવૃત્ત જીવન જીવતા હતા. દરમિયાન દેવશીભાઈના ભાઈ જેન્તીભાઈના પુત્ર રસિકના બે દિવસ બાદ લગ્ન હોય ઘેર મહેમાનોની અવર-જવર રહેતી હતી.
દરમિયાન સોમવારે રાત્રે 2.30 વાગ્યા આસપાસ દેવશીભાઈ ઘરની બહાર શેરીમાં ખાટલો નાખીને સૂતા હતા ત્યારે ખબર પડી હતી કે પિતા દેવશીભાઈ ઉપર કોઈએ હુમલો કર્યો છે. પિતાના ઘર પાસે જઈને જોતાં દેવશીભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પડયા હતા. આ વેળાએ અજાણી રિક્ષા નં. GJ3BU-9266 આવી ગઈ હતી અને તેની સાથે એક બીજી રિક્ષા પણ બોલાવ્યા વગર જ આવી ગઈ હતી. આ બન્ને રિક્ષામાં ઘાયલ હાલતમાં દેવશીભાઈને કોઠારિયા રોડ નર નક્ષ કિરણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ વેળાએ પાડોશી અશોકભાઈ જેરામભાઈ પરીયા હોસ્પિટલે આવી પહોંચ્યા હતા જેમણે કહ્યું હતું કે શેરીમાં ધૂળધોયાનો ધંધો કરતા સંજય સુરેશભાઈ ડોડિયાના ડેલામાં ચોરી થઈ છે. તસ્કરોએ ડેલાનું તાળું તોડી 16,000નો વેસ્ટેજ માલ લઈ ગયા છે. આ ચોરીને અંજામ GJ3BU-9266 નંબરની રિક્ષામાં આવેલા તસ્કરોએ જ આપ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું અને આ જ રિક્ષામાં ઘાયલ દેવશીભાઈને હોસ્પિટલે પણ લઈ જવાયા હતા. આ પછી પોલીસે કુબલિયાપરાના કુખ્યાત તસ્કર મનિષ મણિલાલ નારોલા, દીપક રમેશ મોરી, રવિ સંજયભાઈ સોલંકી અને વિવેક ઉર્ફે કાનો વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી.
તસ્કરો ડેલામાંથી CCTV અને DVR પણ લઈ ગયા’તા
ચોરીનો ભેદ ન ઉકેલાય તે માટે તસ્કરોએ જે ડેલામાંથી 16,000ની મત્તાની ચોરી કરી હતી ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા આમ છતાં અન્ય ફૂટેજના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ચારેયની ધરપકડ કરી હતી.