- કાંગશીયાળી ગામે આવેલી ગ્રીનસીટી નામની બિલ્ડિંગના પ્રમુખનું કારસ્તાન : 112 ફ્લેટના ધારકો પાસેથી મેન્ટેનન્સ ઉઘરાવી તેનું ફિક્સ ડિપોઝિટ કરવાને બદલે પોતે શેર બજારમાં લગાડી દીધા
- ચાર માસનું લાઇટબિલ બાકી હોવાનું સોસાયટીના સભ્યોને માલૂમ પડતાં પ્રમુખની પોલ ખૂલી
વોઇસ ઓફ ડે રાજકોટ
કાંગશીયાળી ગામે આવેલી ગ્રીનસીટી નામની બિલ્ડિંગના પ્રમુખે 112 ફ્લેટ ધારકો દ્વારા મેન્ટેનન્સના આપવામાં આવેલા 1.77 કરોડ રૂપિયા પોતે શેર બજારમાં લગાવી દેતા તમામ પૈસા ડૂબી ગયા હતા.સોસાયટીના સભ્યોને ચાર માસનું બિલ્ડિંગનું લાઇટ બિલ ન ભર્યા હોવાનું માલૂમ પડતાં તેને પ્રમુખને આ બાબતે પૂછતાં તેની પોલ ખૂલી હતી.અને બાદમાં આ મામલે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રમુખ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
રાજકોટમાં ઉમિયા ચોક પાસે માધવ સેલ્સ નામની હાર્ડવેરની દુકાન ધરાવતા અને કાંગશીયાળી ગામે આવેલી ગ્રીનસીટી નામની બિલ્ડિંગમાં રહેતા કેતનભાઈ રામજીભાઇ અદોદરિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેની સોસાયટીના પ્રમુખ જીગ્નેશ ધનજીભાઇ વઘાશિયાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓએ ત્રણ વર્ષ પૂર્વે શુભમ બિલ્ડરની કાંગશીયાળી ગામે આવેલી ગ્રીનસીટી નામની બિલ્ડિંગમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. અને આ ફ્લેટ ખરીદનાર ફ્લેટ ધારકોને 1.50 લાખ મેન્ટેનન્સ અને જનરલ ખર્ચના આપવાના થતાં હતા.
અને બધા ફ્લેટનું વેચાણ થયા બાદ અહી ફ્લેટ ધારકો દ્વારા જીગ્નેશને પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. તેમજ અન્ય લોકોને ઉપ પ્રમુખ અને અન્ય પદ તરીકેની નિમણૂક આપવામાં આવી હતી.જેમાં બિલ્ડરો દ્વારા મેન્ટેનન્સના પૈસા સોસાયટીના એકાઉન્ટમાં જમાં કરાવી દેવામાં આવ્યા હતા.જેમાં 122 ફ્લેટ ધારકોના 1.77 કરોડ રૂપિયા એકઠા થતાં તેમાંથી અડધા પૈસાની ફિક્સ ડિપોઝિટ કરવાનું મિટિંગમાં નક્કી કરાયું હતું.થોડો સમય જતાં આરોપીએ એકાઉન્ટમાં પૈસા ઉપાડી જમાં કરવા માટેનું કહી સોસાયટીના અન્ય સભ્યોની ચેકમાં સહી કરાવી હતી. અને બાદમાં સિક્યુરિટી ગાર્ડનો પગાર તેમજ સફાઇ કર્મીનો પગાર કરવાનું કહી ફરી ચેકમાં સહી કરાવી હતી.થોડા સમય બાદ સોસાયટીના સભ્યોને છેલ્લા ચાર માસનું બિલ્ડિંગનું લાઇટ બિલ બાકી હોવાનું જાણવા મળતા તેઓએ સોસાયટીના પ્રમુખ જિગ્નેશને વાત કરતાં તેને પોતાની પાસે પૈસા ન હોવાનું અને મેન્ટેનન્સના એકઠા થયેલા રૂ.1.77 કરોડ પોતે શેર બજારમાં લગાડી દીધા હોવાનું અને તે ડૂબી ગયા હોવાનું કહ્યું હતું. જેથી આ મામલે શાપર પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ આર.કે.ગોહિલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે.