ભાજપના બે નેતાએ ભૂંડી ભૂમિકા ન ભજવી હોત તો દૂર્ઘટના ન બનત…!
જે તે સમયે કાર્યવાહી કરવા માટે ટીમ પહોંચી’તી પણ એકે ડિમોલિશન અટકાવવા સ્ટાફને દબાવ્યો' તો બીજાએ ત્યાં ચેકિંગ માટે પહોંચેલી ગાડીને પાછી વળાવી હોવાની મનપા કચેરીમાં ચર્ચા
ગેઈમ ઝોનમાં નેતાઓને આટલો બધો રસ કેમ હતો ? અધિકારીઓ તો ઝપટે ચડ્યા, આમનો વારો ક્યારે ? જોવાઈ રહેલી વાટ...!
રાજકોટ ક્યારેય ન ભૂલી શકે તેવી ગોઝારી દૂર્ઘટના ટીઆરપી ગેઈમ ઝોનમાં બની જવા પામી છે. એક સાથે ૨૭ લોકો આગની જ્વાળામાં ભુંઝાઈ ગયા છે અને હજુ સુધી તેના પડઘા શમવાનું નામ લઈ રહ્યા નથી. આ ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. આમ તો અત્યાર સુધી સરકારી કર્મીઓ અને અધિકારીઓ જ ઝપટે ચડ્યા છે ત્યારે લોકમાનસમાં એક સવાલ વારંવાર ઘૂમરાઈ રહ્યો છે કે પદાધિકારીઓ મતલબ કે રાજકારણીઓ સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ? આ સવાલ એટલા માટે સ્વાભાવિક લાગી રહ્યો છે કેમ કે ખુદ મહાપાલિકાની કચેરીમાં જ જોરશોરથી એવી વાતો વહેતી થઈ ગઈ છે કે જે તે સમયે ટીઆરપી ગેઈમ ઝોનને બંધ કરાવવા માટે હથિયારની ધાર સજાવી લેવામાં આવી હતી પરંતુ બે નેતાએ આડા ઉતરીને તેને બચાવવા માટે
ભૂંડી’ ભૂમિકા ભજવીને તેને બંધ થવા દીધો ન્હોતો !!
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે સત્તાની ટોચ પર બેઠેલા એક નેતાને આ ગેઈમ ઝોન અને તેના સંચાલકો પ્રત્યે લાગણી' હોય તેવી રીતે જે તે સમયે કાર્યવાહી કરવા માટે એક ટીમ પહોંચી પણ ગઈ હતી અને ડિમોલિશનની તૈયારી પણ થઈ ચૂકી હતી. જો કે જેવી વાત આ નેતા સુધી પહોંચી કે તેણે હાંફળાફાંફળા થઈને તાત્કાલિક ટેલિફોન ધણધણાવ્યો હતો અને કાર્યવાહી ન કરવા સ્ટાફને
દબાવ્યો’ હતો. આ વેળાએ નેતાનું માન' રાખીને ટીમ પરત ફરી ગઈ હતી. આ પછી બીજી વખત પણ કાર્યવાહી કરવાની તૈયારી આરંભાઈ હતી પરંતુ ત્યારે બીજા એક નેતા આડા ફાટ્યા અને તેણે પણ મનપા સ્ટાફની ગાડીને પાછી વળાવી દીધી હતી.
હવે બન્ને નેતાએ વારાફરથી ગેઈમ ઝોન પ્રત્યે કુણું વલણ શા માટે રાખ્યું તે વાત તો કદાચ તેઓ જ જાણતા હશે પરંતુ મનપા કચેરી તેમજ વર્તુળોમાં અત્યારે આ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઝપટે ચડી ગયા જ છે અને ચડવા પણ જોઈએ કેમ કે તેમણે તેમની ફરજ ઈમાનદારીથી નીભાવી નથી પરંતુ આ અધિકારીઓ-કર્મીઓને
રિમોટ કંટ્રોલ’ પર ચલાવનાર નેતાઓનો વારો ક્યારે આવે છે તેની સૌ વાટ જોઈને બેઠા છે.