અમેરિકા ગયેલા તબીબના ઘરે રૂ. 6.60 લાખના મશીન ચોરાયા
અવધ રોડ પર આવેલા ઘરે હોસ્પિટલમાં એડમીનીસ્ટ્રેટીવની ઓળખ આપી બે શખસો કળા કરી ગયા : જાણભેદુ હોવાની શંકા
રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલના તબીબ અમેરિકા ગયા ત્યારે અજાણ્યા તસ્કરો તેના અવધ રોડ પર આવેલા ઘરે હાથફેરો કરી રૂ. ૬.૬૦ લાખના મશીન ચોરી ગયા હતા. તાળું ખોલીને ચોરી થતાં આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિગત મુજબ જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં એડમીનીસ્ટ્રેટીવ તરીકે નોકરી કરતા દિપભારથી ભુપતભારથી ગોસાઇ (ઉ.વ. ર8) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૩૧/૧૦ ના રાત્રે તેઓ ઘરે હતા ત્યારે અવધ રોડ પર ડેકોરા હેબીટેટ ફલેટમાં રહેતા શાંતિ હોસ્પિટલના ડો. નિરલ મહેતાના ઘરે બપોરના ચાર થી છ વાગ્યાના સમયમાં બે અજાણ્યા શખ્સોએ જઇ ફરિયાદીના નામથી હોસ્પિટલનો સામાન લઇ ગયા હતા. જે અંગે જાણ થઇ હતી. તબીબના ફલેટની એક ચાવી તેમની પાસે અને બીજી ચાવી હોસ્પિટલના કર્મચારીઓ પાસે રહેતી હોય જેથી ડો. નિરલ મહેતાએ કોઇને વસ્તુ લેવા ફલેટ ખાતે મોકલેલ હશે અને ડો. નિરલ મહેતા અમેરિકા હોય જેથી કોઇ વાતચીત થઇ ન હતી.દરમિયાન ત્રણ દિવસ પહેલા ડો. નિરલ મહેતા અમેરિકાથી પરતા આવતા તેને પૂછતા તેઓએ કોઇને ઘરે મોકલ્યા ન હોવાનુ જણાવ્યુ હતુ. જેથી કોઇ બે શખ્સો તબીબના ફલેટમાંથી ૮ ઓટો કોન્સનસ્ટ્રેટર મશીન અને એક બાયપેપ મશીન મળી કુલ ૬.૬૦ લાખના નવ મશીન તાળુ ખોલી ચોરી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.