સિંહ મૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી, રેલવેએ શરૂ કરી સિંહ ડિટેક્શન ડિવાઈસની કામગીરી
ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રિટ પર સુનાવણી થઈ. વર્ષ 2018માં થયેલા સિંહોના મૃત્યુ બાદ હાઈકોર્ટે પોતે જ આ કેસ હાથ પર લીધો હતો. સુનાવણી દરમિયાન રેલવે અને રાજ્ય સરકારે ગીરના સિંહોના રક્ષણ માટે લીધેલા પગલાનો રિપોર્ટ રજૂ કર્યો. રેલવેએ જણાવ્યું કે રેલવેથી થતા સિંહ મૃત્યુ રોકવા ગીર રેલવે લાઇન પર ‘ઇન્સ્ટ્રુશન ડિટેક્શન ડિવાઈસ’ લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ ડિવાઈસ રેલવે ટ્રેકના 15 મીટરના વિસ્તારમાં સિંહોની હાજરી તરત પકડી લેશે અને ટ્રેનને સિગ્નલ આપશે. સાથે જ રેલવેએ હાઈકોર્ટને એવો પણ જવાબ આપ્યો કે જંગલ વિસ્તારમાંથી પસાર થતો બ્રોડ ગેજ પ્રોજેક્ટ હવે પડતો મૂકવામાં આવ્યો છે. આ બંને પગલાથી ગીરના સિંહોને ટ્રેન અકસ્માતથી બચાવવામાં મદ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
