જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો
હરિયાણાના નૂહની ઘટના : સાયકલ સ્ટંટ કર્યા પછી કલાકારને કોથળામાં બાંધી ખાડામાં જીવતો દફનાવવામાં આવ્યો હતો, ત્રણ દિવસ પછી લાશ મળી
ચંદીગઢ: અંધશ્રદ્ધા અને સ્ટંટ કેટલી વાર કેટલા મોંઘા પડે છે તેને ઉજાગર કરતી એક ઘટના હરિયાણાનાં નૂહ જિલ્લામાં બની છે અને આ ઘટનામાં ૨૭ વર્ષના એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નૂહ જિલ્લાનાં તાવાડુ ખોરી ગામમાં એક મેળાનું આયોજન થયું હતું અને આ મેળામાં ૨૧ વર્ષીય દીપક નામનો એક કલાકાર સાયકલ ઉપર સ્ટંટ કરતો હતો. આ મેળામાં લોકોના મનોરંજન માટે પહેલા સાયકલ સ્ટંટ કર્યા પછી દીપકને એક કોથળામાં બંધ કરવામાં આવ્યો હતો અને આ કોથળાને ત્રણ ફૂટ ઊંડા ખાડામાં દફનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આ કલાકારને જીવતા સમાધિ આપી છે અને તે અમુક સમય પછી જીવિત બહાર આવશે. ત્રણ દિવસ પછી જયારે ખાડો ખોદવામાં આવ્યો ત્યારે દીપક મૃત હાલતમાં હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. આ પ્રકારના સ્ટંટ કરવા માટે કોઈ જ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હતી.
ફરીદાબાદના ગૌંચી ગામનો રહેવાસી દીપક, એક ટ્રાવેલિંગ સાયકલ સર્કસનો આયોજક હતો અને આ ગામના એક ખુલ્લા ખેતરમાં મંડપ બાંધીને મેળો યોજવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, દીપકે પહેલા સાયકલ પર ઘણા રોમાંચક સ્ટંટ કર્યા. તેણે હેન્ડલબાર પર પોતાને સંતુલિત કર્યા, વ્હીલ્સ જોયા વિના સવારી કરી અને ચાલતી સાયકલ પર ઉભા રહીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું.ત્યારબાદ તેણે પોતાનો સૌથી પ્રખ્યાત સ્ટંટ, “જીવતા સમાધિ”લેવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
દીપક એક કોથળામાં જાતે બંધાઈ ગયો અને પછી પહેલાથી ખોદાયેલા ખાડામાં સૂઈ ગયો, અને પછી સંપૂર્ણપણે માટીથી આ ખાડો ઢાંકી દેવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી તેને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો.
દીપકના મોટા ભાઈ સુનીત દવેએ કહ્યું કે તે પણ આવા જ સ્ટંટ કરતો હતો, પરંતુ બે વર્ષ પહેલા જોખમને કારણે કામ છોડી દીધું. તેમણે કહ્યું કે પરિવાર સતત દીપકને કામ છોડી દેવા માટે આગ્રહ કરતો હતો.
સુનીતના મતે, આ સ્ટંટ માટે વર્ષોની પ્રેક્ટિસ, શ્વાસ રોકી રાખવાની ક્ષમતા અને ખાસ ટેકનિકની જરૂર પડે છે. કોથળામાં નાના છિદ્રો બનાવવામાં આવે છે અને માટીમાંથી હવા પસાર થવા માટે સાંકડા માર્ગો બનાવવામાં આવે છે.
તેમણે સમજાવ્યું કે સામાન્ય રીતે, કોઈ પણ કલાકાર 24 કલાકથી વધુ સમય સુધી ખાડામાં રહેતો નથી, કારણ કે તે પછી જીવનું જોખમ ઝડપથી વધી જાય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે દીપકને આટલા લાંબા સમય સુધી ખાડામાં કેમ રાખવામાં આવ્યો તેની તપાસ થવી જોઈએ.વહીવટીતંત્રે જણાવ્યું કે પરવાનગી વિના આવા સ્ટંટ કરવા ગેરકાયદેસર છે.
તાવડુ સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ કુમારે જણાવ્યું કે ગ્રામજનો પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલમાં, કોઈ ફરિયાદ ન હોવાથી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. જોકે, ઘટનાનો ચોક્કસ સમય અને સંજોગો સ્થાપિત કરવા માટે પોલીસ સાથી કલાકારો અને ગ્રામજનોના નિવેદનો નોંધી રહી છે.
નૂહના ડેપ્યુટી કમિશનર અખિલ પિલાનીએ જણાવ્યું હતું કે પરવાનગી વિના આવા જીવલેણ સ્ટંટ કરવા ગેરકાયદેસર છે. વહીવટીતંત્ર તપાસ કરશે કે આવી ખતરનાક પ્રવૃત્તિને કયા આધારે મંજૂરી આપવામાં આવી હતી અથવા પરવાનગી વિના તે કેવી રીતે કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
