રાજકોટમાં કાળજું કંપાવનારી ઘટના! બે પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાનો આપઘાત,પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટને જાણે કે નજર લાગી હોય તેવી રીતે એક બાદ એક ચોંકાવનારા બનાવ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. આવો જ કાળજું કંપાવી દે તેવો બનાવ નવાગામ વિસ્તારમાં બનવા પામ્યો હતો. ન્યુ શક્તિ સોસાયટી શેરી નં.6માં રહેતી 28 વર્ષિય માતાએ 5 વર્ષ અને 7 વર્ષની બે ફૂલ જેવી પુત્રીને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા સાથે સાથે ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ન્યુ શક્તિ સોસાયટીમાં રહેતી અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.28)એ ગુરૂવારે રાત્રીના દશેક વાગ્યાના સુમારે સાત વર્ષની પુત્રી પ્રિયાંશી અને પાંચ વર્ષની પુત્રી હર્ષિતાને સૌથી પહેલાં નાઈલોનની દોરીથી ગળેટૂંપો આપ્યો હતો. ગળેટૂંપો આવતા જ ફૂલ જેવી બન્ને બાળકીઓ તરફડિયા મારવા લાગી હતી. આમ છતાં અંતિમ પગલું ભરવાનો નિર્ણય લઈ ચૂકેલી અસ્મિતાએ જરા પણ ખચકાટ અનુભવ્યા વગર બન્ને દીકરીના પ્રાણપંખેરૂ ઉડી ન જાય ત્યાં સુધી મજબૂતાઈથી દોરી પકડી રાખી હતી. બન્ને દીકરીના મોત થયા બાદ અસ્મિતાએ પણ પંખાના ટૂંક સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં ખૂલ્યા પ્રમાણે અસ્મિતાનો પતિ જયેશ સોલંકી છકડો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પરિવારમાં જયેશના પિતા વિનોદભાઈ સાથે રહેતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. અસ્મિતાબેને આખરે આ પગલું શા માટે ભર્યું ? તેને લઈ સચોટ કારણ સામે આવ્યું ન હતું. આડોશ-પાડોશમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે સોલંકી પરિવાર છેલ્લા વિસેક વર્ષથી ઉપરોક્ત વિસ્તારમાં હસીખુશીથી રહેતો હતો અને પરિવારમાં પણ કોઈ પ્રકારનો કજિયો સાંભળવા મળ્યો ન હતો. અસ્મિતાબેનુ અને જયેશનો લગ્નગાળો 9 વર્ષનો હતો. તે દરમિયાન તેમને બે પુત્રી અવતરી હતી. આજે પાડોશીઓના જણાવ્યા પ્રમાણે હર્ષિતા અને પ્રિયાંશી સાંજે 6 વાગ્યા સુધી બાળકો સાથે રમતી હતી પરંતુ તેને ક્યાં ખબર હતી કે જેવી ઘરમાં જશે કે તેને મોત મળશે ?

પતિ ઘરે આવતા જ પત્ની અને પુત્રીના મૃતદેહ જોઈ બેભાન જેવો થઈ ગયો
નવાગામ વિસ્તારમાં માતાએ બે પુત્રી સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ અસ્મિતાબેનનો પતિ જયેશભાઈ સોલંકી સાંજના ઘેર આવ્યા ત્યારે પહેલાં નીચેના રૂમમાં ગયા હતા, આ પછી તેઓ જેવા બીજા માળે પહોંચ્યા કે બહારથી દરવાજો બંધ હોય કંઈક અજુગતુ થયાનું લાગતા જ દરવાજો જોરથી ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ન ખૂલતા આડોશ-પાડોશને ભેગા કરી જોરથી દરવાજો ખોલી નાખ્યો હતો. જો કે જેવો દરવાજો ખોલ્યો કે સામે જ પત્ની અને બે પુત્રીના મૃતદેહ પડ્યા હોય તેઓ રીતસરના બેભાન જેવા થઈ ગયા હતા. અસ્મિતાબેને આવું પગલું શા માટે ભરી લીધું ? તેનો ખ્યાલ ખુદ જયેશને પણ ન હતો.

પુત્ર જન્મ ન થતાં માતાએ અંતિમ પગલું ભર્યાનું પાડોશીઓનું કથન
પોલીસ સૂત્રો તેમજ પાડોશીઓને આ અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અસ્મિતાબેનને બે પુત્રી હતી પરંતુ તેમને પુત્ર અવતરે તેવી મનોકામના હોય, જો કે પુત્રનો જન્મ ન થતાં આખરે કંટાળીને આ પગલું ભર્યુ હોય તેવું બની શકે છે. જો કે સત્તાવાર કારણ શું હશે ? તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
