હિરાસર એરપોર્ટમાં ચોરી કરનાર યુવક મોટો ખેલાડી નીકળ્યો! ખાસ ટ્રીક વાપરીને કરતો હતો ચોરી, ઓથોરિટી-પોલીસ દ્વારા સઘન તપાસ
હિરાસર એરપોર્ટ પરથી બે મુસાફરની બેગમાંથી 2.83 લાખના ઘરેણા-રોકડ ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ તેમજ એરપોર્ટ ઓથોરિટી બન્ને એક્શનમાં આવ્યા હતા અને આ ચોરીના આરોપીને દબોચી લીધો હતો. બીજી બાજુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા ચોરી કરનાર યુવક મોટો ખેલાડી નીકળ્યો હોવાનું અને અત્યંત શિફ્તપૂર્વક ચોરી કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. પકડાયેલો યુવક એરપોર્ટમાં સીસીટીવી ટેક્નીશ્યન તરીકે નોકરી કરતો હોય તે કેમેરાથી બરાબર વાકેફ હોવાને કારણે તેનો લાભ લઈ ચોરી કરી રહ્યો હતો. જો કે આ ચોરી કરવામાં તેની સાથ એરલાઈન્સના અન્ય સ્ટાફની પણ સંડોવણી હોવાની દિશામાં પોલીસ તેમજ એરપોર્ટ ઓથોરિટીએ તપાસનો દોર લંબાવ્યો છે.
ઝોન-1 એલસીબી ટીમ દ્વારા જયરાજ કથુભાઈ ખાચરને ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો. જયરાજની ધરપકડ બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે વટાણા વેરી દેતા જણાવ્યું હતું કે જ્યાંથી તે ચોરી કરતો હતો તે ક્નવેયર બેલ્ટથી બગેજ મેકઅપ એરિયા (બીએમએ) વચ્ચેનું અંતર 200 મીટરનું હોય છે અને લગેજ મુળ સ્થાન સુધી પહોંચતાં પાંચ મિનિટ લાગે છે. અહીં પણ કેમેરો હોય છે પરંતુ પોતે જાણકાર હોવાથી જ્યારે ચોરી કરવા માટે કિંમતી બેગ મળી જાય એટલે કેમેરો પાંચ, દસ, પંદર મિનિટ સુધી બંધ કરી દેતો હતો. આ એરિયામાં સીસીટીવી મોનિટરિંગ રૂમ પણ આવેલો છે જેનો હવાલો જયરાજ પાસે જ હોવાથી તે સરળતાથી કેમેરો ચાલુ-બંધ કરી શકતો હતો.
આ પણ વાંચો : રાજકોટ શહેર ભાજપની નવી ટીમ ‘કવર’માં પેક : 10 નવેમ્બર બાદ નવી ટીમની જાહેર થવાની શક્યતા, જાણો કેટલા હોદ્દેદારોની હશે ટીમ
જો કે કઈ બેગમાં રોકડ, ઘરેણા પડ્યા છે તેની જાણ જયરાજને કઈ રીતે થઈ જતી હતી ? આ અંગે તપાસ કરવામાં આવતા એવી વિગત સામે આવી હતી કે જયરાજને કઈ બેગમાં શું છે તેનો જરા પણ ખ્યાલ આવે તેમ નથી પરંતુ ક્નવેયર બેલ્ટ ઉપર સામાન મુકાય એટલે તે સ્કેનરમાં જાય ત્યારે બેગમાં શું છે તેની જાણકારી એરલાઈન્સના સ્ટાફને મળી જતી હોવાથી એવું બની શકે કે એરલાઈન્સના કોઈ સ્ટાફ દ્વારા બેગમાં કશુંક પડ્યું હોવાનું સિગ્નલ જયરાજને આપી દેવામાં આવતું હોઈ શકે છે. સિગ્નલ મળતા જ જયરાજ એક્ટિવ થઈ જતો અને જ્યારે જ્યારે લગેજ ક્નવેયર બેલ્ટ ઉપર મુકાય ત્યારે તે ચોક્કસ મિનિટ માટે કેમેરો બંધ કરી દેતો હોય તેને પાંચ-દસ મિનિટ ચોરી કરવા માટે મળી જતી હતી. આટલી મિનિટમાં તે બેગ ખોલીને અંદરથી સામાન કાઢી લેતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો : તમે બોલ ખિસ્સામાં કેમ રાખ્યો,તેનું કારણ શું હતું? વર્લ્ડકપ જીત્યા બાદ PM મોદીએ કેપ્ટન હરમનપ્રીત સહિત ખેલાડીઓ સાથે કરી આ વાતચીત
ખાસ કરીને જ્યારે ચોરી થઈ તે દિવસના કેમેરા તપાસતા પોલીસના ધ્યાને આવ્યું હતું કે 12 અને 26 કે જ્યારે ચોરી થઈ હતી તે દિવસે કેમેરા વાયર તૂટી ગયા હોવાને કારણે બંધ હતા ! વળી, ક્નવેયર બેલ્ટથી બગેજ મેકઅપ એરિયા સુધીમાં લગેજ પાંચ મિનિટમાં પહોંચી જાય છે પરંતુ ચોરી થઈ ત્યારે પંદરથી અઢાર મિનિટ લાગી હોવાથી જયરાજે આ ગાળામાં જ ચોરી કરી લીધી હતી પરંતુ પેસેન્જરને છેક મુંબઈ પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો હતો.
અહો આશ્ચર્યમ્ઃ એજન્સીએ જયરાજનું પોલીસ વેરિફિકેશન જ નથી કરાવ્યું !
એવી વિગત પણ ધ્યાન પર આવી છે કે જ્યારથી એરપોર્ટ બન્યું ત્યારથી જયરાજ ખાચર 35,000ના પગારે સીસીટીવી ટેક્નીશ્યન તરીકે ત્યાં નોકરી કરે છે પરંતુ તેને નોકરી આપનાર એજન્સી દ્વારા પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર જ આઈ કાર્ડ ઈશ્યુ કરી દેવામાં આવ્યું હતું. જો વેરિફિકેશન કરાવાયું હોત તો જયરાજ સામે અગાઉ નોંધાયેલો ગુનો પણ ધ્યાને આવી ગયો હોત અને તેને નોકરી પણ ન મળી હોત…
