હાલ હું જટાશંકર નજીક છું…જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંતના ગુમ થવા મામલે રહસ્ય વધુ ઘેરુ બન્યું, ટ્રસ્ટીને ફોન કરીને જાણો શું કહ્યું
સાધુ સમાજમાં ભારે ચર્ચા જગાવનાર ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતીના ગુમ થવાના મામલામાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા બાદ ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના એક ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હાલ હું જટાશંકર નજીક છું. મને અહીંથી લઇ જાઓ. મારી ભૂલ થઇ ગઇ છે. મારે આશ્રમ આવવું છે.’ તેવું કહ્યું હતુ.
આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા. જો કે, મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ ચાલુ રાખી છે. સવારથી અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી.
આશ્રમના સેવક ચિરાગભાઈ ના જણાવ્યા અનુસાર, આ સમાચાર જાણીને મુખ્ય મહંત હરિહરાનંદ બાપુની તબિયત ખરાબ થઈ છે અને ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. આ ઘટનાને પગલે આશ્રમના અન્ય સંતો અને સેવકોમાં ચિંતાનો માહોલ છે. ભારતી આશ્રમના એક સાધુએ જણાવ્યું છે કે આ સમાચારથી સૌ કોઈ દુઃખી છે. તેમણે કોઈપણ ખોટી અફવાને ન માનવા વિનંતી પણ કરી છે.
