પતિ રોજ રાત્રે પુરુષ મિત્રો સાથે વીડિયો કોલમાં…પત્નીએ પતિની ‘દોસ્તાના’ જેવી હરકતનો વિરોધ કર્યો’તો કર્યું આવું કૃત્ય
રાજકોટની યુવતી કે જેના લગ્ન સાવરકુંડલા ખાતે થયા બાદ પતિના `દોસ્તાના’ જેવા લખણ હોવાથી તેનો વિરોધ કરતા માર પડ્યો હોવાનો તેમજ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હોવાની વધુ એક ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ અંગે સોનલબેન ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન ઉદીપ ચુડાસમા સાથે બે વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ તેઓ સાવરકુંડલા ખાતે રહેવા ગયા હતા. એક સપ્તાહ સુધી બધું સારું ચાલ્યા બાદ પિયરપક્ષ તેમને રિવાજ પ્રમાણે પગફેરા માટે તેડી ગયો હતો. આ વેળાએ નણંદ ગુજરી જતા પરત આવ્યા ત્યારે સાસરિયાઓએ `તું આવી અને મારી દીકરી ગુજરી ગઈ’ એવો આક્ષેપ કર્યો હતો. પતિએ પણ કહ્યું હતું કે હું મારા પપ્પાનો એક જ દીકરો છું એટલે મારા પરિવારના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા.
ત્યારબાદ પતિ દરરોજ અન્ય પુરુષ મિત્રો સાથે રાત્રે વીડિયો કોલ પર વાત કરતા અને ન છાજે તેવી હરકત કરતા અને સોનલબેનને ત્રાસ આપતા હતા. લગ્નના દસ દિવસ બાદ પત્નીએ સાંસારિક વ્યવહાર જ કર્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પછી સાસુ, નણંદ, સસરા સહિતના પણ નાની-નાની બાબતે માથાકૂટ કરી ત્રાસ આપતા હોવાનું તેમજ કાકાજી સસરા તેમજ તેના પુત્રએ પણ `આને દસ લાખ રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મુકવી છે’ તેમ કહી ઝઘડો કર્યો હતો. એકંદરે ત્રાસ દિવસેને દિવસે વધી જતા આખરે સોનલબેન માવતરને ત્યાં આવી ગયા હતા અને પતિ, સસરા બકુલ ચુડાસમા, સાસુ જયશ્રીબેન ચુડાસમા, કાકાજી સસરા પંકજ ચુડાસમા, મોટા સસરાના પુત્ર પિયુષ ચુડાસમા, નણંદ રિદ્ધિબેન આશિષભાઈ મકવાણા, નિકિતા નીરજભાઈ સોલંકી સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી.
