આતુરતાનો અંત! રાજકોટના KKV બ્રિજ નીચે ગેમઝોનનું લોકાર્પણ : જાણો કઈ ગેમનો કેટલો ચાર્જ, શું છે ગેમઝોનના નિયમ
રાજકોટીયન્સ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કેકેવી (શ્રીરામ બ્રિજ) બ્રિજ નીચે ગેમઝોનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સવારે 6થી રાતના 10 વાગ્યા આ ગેમઝોન ખુલ્લુ રહેશે. શનિવારે સવારે 10:00 કલાકે “શ્રી રામ” મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજ, પરિમલ સ્કુલની સામે, કાલાવડ રોડ, ખાતે રૂ.2.07 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવીટી “ગેમ ઝોન”નું લોકાર્પણ વિધાનસભા-69ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યુ.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજકોટના સૌથી પહેલાં ઓવરબ્રિજ નીચેના ગેઈમ ઝોનનું આજરોજ ધારાસભ્ય દર્શિતાબેન શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે વિવિધ રમતો પર હાથ પણ આજમાવ્યો હતો. મેયર નયનાબેન પેઢડીયાની બોલિંગમાં ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સ્નૂકર રમ્યા હતા. એક તબક્કે પીકલ બોલ રમતા ઠાકરનો બોલ દવેને વાગતા વાગતા રહી ગયો હતો. આ દરમિયાન શાસક પક્ષના દંડક મનીષ રાડિયાએ પણ સ્પોર્ટસમેન સ્પિરિટ બતાવ્યું હતું અને ક્રિકેટ રમી ફટકાબાજી કરી હતી.

ગેમ ઝોનના નિયમો:
- સ્પોર્ટ્સ ફેસીલીટી પરિસરમાં ધુમ્રપાન, પાન, માવા, ફાકી, કેફી દ્રવ્યોનું સેવન નિષેધ રહેશે. આવુ કરવાના કિસ્સામાં કો-ઓર્ડીનેટરશ્રી સ્પોર્ટ્સ ફેસીલીટી ખાલી કરાવશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટી ખાતે બોક્સ ક્રિકેટ તથા પિકલ બોલ સ્પોર્ટ્સમાં નિયત શુઝ પહેરેલ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટી ખાતે ટીકીટ લીધા બાદ જ પ્રવેશ મળશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટીની સમય સવારે 6 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી જ રહેશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટી ખાતે એન્ટ્રી અંગેના હક માત્ર સંચાલક સંસ્થાના રહેશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટી પરિસર ખાતે આવેલ વસ્તુઓ, રમતગમતના સાધનો તથા અન્ય કોઇ પણ નુકસાન ન થાય તે સ્પોર્ટ્સ ફેસીલીટીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનુ રહેશે. અન્યથા સંચાલક દ્વારા યોગ્ય દંડ વસુલવામાં આવશે.
- સ્પોર્ટ્સ ફેસીલીટી ખાતે નીચે મુજબના રમતગમત માટેના સાધનો આપવામાં આવશે.

બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100, પુલ રૂા.50 રમી શકાશે
આ ગેઈમ ઝોનમાં બોક્સ ક્રિકેટ, પીકલ બોલ (પ્રતિ કલાક 500 રૂપિયા ફી), સ્કેટિંગ રિન્ક (500 રૂપિયા પ્રતિ માસ-પ્રતિ મેમ્બર) ઉપરાંત ઈનડોર ગેમ્સ જેવી કે સ્નૂકર ટેબલ, પુલ ટેબલ, ઈલેક્ટ્રિક એર હોકી, ચેસ, કેરમ સહિતની રમતો રમી શકાશે. બોક્સ ક્રિકેટ 50 મીટર બાય 15 મીટરના વિસ્તારમાં ફેલાયેલું રહેશે અને તેમાં એસ્ટ્રો ટર્ફ સરફેસની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત પીકલ બોલમાં સિન્થેટિક ટ્રેક જેની સાઈઝ 13.41 મીટર બાય 6.10 મીટર રહેશે. સ્કેટિંગ રિન્ક માટે સિમેન્ટ સરફેસની સુવિધા આપવામાં આવશે.
