એક સાયબર ક્રાઈમ આવું પણ…એક મોબાઈલે રાજકોટ-કોલકત્તા પોલીસને ધંધે લગાડી દીધી! વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટ સહિત આખા દેશમાં અત્યારે સાયબર ક્રાઈમે માજા મુકી છે અને દર સેક્નડે એક વ્યક્તિ છેતરાઈ રહી છે. સાયબર માફિયાઓ કે ગઠિયાઓ પોલીસથી એક પગલું આગળ રહેવા માટે અવનવા કીમિયા અખત્યાર કરી રહ્યા છે ત્યારે આવી જ એક છેતરપિંડીને કારણે રાજકોટ અને કોલકત્તા પોલીસ ધંધે લાગી જવા પામી છે અને ધંધે લાગવા પાછળનું મોટું કારણ એક મોબાઈલ બન્યો છે ! તમને જાણીને નવાઈ લાગશે કે આખરે એક મોબાઈલ અને પોલીસના ધંધે લાગવા પાછળ એવું તો શું કારણ હોઈ શકે ?

આ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટના એક વેપારી કે જેમની સાથે 20 ફેબ્રુઆરીએ સાયબર ગઠિયાએ છેતરપિંડી આચરી 5.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ફરિયાદ નોંધાતાં જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગઠિયા સુધી પહોંચવા માટે તમામ પ્રકારની તાકાત લગાવી દીધી હતી. હજુ તો આ તપાસ ચાલી જ રહી હતી ત્યાં જે ફોનથી આ છેતરપિંડી આચરવામાં આવી હતી તે ફોન કોલકત્તામાં એક્ટિવ થયો હોવાની જાણકારી રાજકોટ પોલીસને મળતાં એક ટીમ કોલકત્તા પહોંચી હતી. જ્યાં આ ફોન એક્ટિવ થયો તે વિસ્તાર કોલકત્તાના બાઉબજાર પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાંની પોલીસને સાથે રાખી ફોન કોની પાસે છે તેના સુધી પહોંચી હતી.

જેવી બન્ને રાજ્યની પોલીસ અહીં પહોંચી કે તેમના આશ્ચર્યનો પણ પાર રહ્યો ન્હોતો કેમ કે જેમની પાસે આ ફોન હતો તે એક મહિલા હતા સાથે સાથે તેમના પતિ કોલકત્તાના એક પ્રતિષ્ઠિત વકીલ પણ છે. બીજી બાજુ સમગ્ર કેસ અંગે તેમને જાણ કરાતાં તેઓ પણ હક્કાબક્કા થઈ જવા પામ્યા હતા. તેમની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે આ ફોન તો તેમને તેમના પતિ દ્વારા ગીફ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ આવી હોવાની જાણ થતાં જ વકીલ પણ દોડી આવ્યા હતા અને તેમણે બાઉબજારમાં આવેલા મોબાઈલ સ્ટોરમાંથી બા-કાયદા પૈસા ચૂકવીને ખરીદ કર્યાનો અને તેનું પાક્કું બિલ પણ રજૂ કરતાં પોલીસ વિચારતી થઈ ગઈ હતી કે આ ફોન નવો-નક્કોર જ છે તો પછી તેનો ઉપયોગ સાયબર ક્રાઈમમાં થયો કેવી રીતે ?
સૌ કોઈ જાણે છે કે કોઈ પણ સ્ટોરમાંથી ફોનની ખરીદી કરવામાં આવે એટલે તે સીલપેક હોય છે મતલબ કે તેનો વપરાશ કોઈએ કર્યો હોતો નથી આમ છતાં નવા-નક્કોર ફોનનો ઉપયોગ છેતરપિંડીમાં થયો કેવી રીતે હશે તેને લઈને અત્યારે બે રાજ્યની પોલીસ માથું ખંજવાળતાં ખંજવાળતાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : રાજકોટનું બહુમાળી ભવન બન્યું ખટારા ભવન : GST વિભાગ પકડેલા વાહનો આડેધડ પાર્ક કરાતું હોવાની ફરિયાદ
શું છે રાજકોટનો કેસ?
જે છેતરપિંડી કરવા માટે કોલકત્તાથી ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો તે છેતરપિંડી 20 ફેબ્રુઆરી-2025ના થવાપામી હતી. દોશી હોસ્પિટલ સામે નોબલ શેરીમાં શ્રી હરિકૃષ્ણ નામના મકાનમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતાં કેતન પ્રવિણભાઈ ખોલિયાના મોબાઈલ નંબર ઉપર વૉટસએપમાં એક કસ્ટમરસપોર્ટ.એપીકે નામની લીન્ક આવી હતી જેને તેમણે ખોલી ન્હોતી. આ પછી તેમના વૉટસએપ ઉપર એક કોલ આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ તે આઈસીઆઈસીઆઈ બેન્કનો કર્મચારી હોવાની ઓળખ આપી જો કેતન ખોલિયા બેન્કમાં કેવાયસી અપડેટ નહીં કરે તો તેમનું ખાતું બંધ થઈ જશે તેમ કહીને લિન્ક ઓપન કરાવી હતી અને તેમાં બેન્કના ડેબિટકાર્ડનંબર નખાવ્યા હતા. આ પછી એક બાદ એક એમ પાંચ વખત ઓટીપી આવ્યા હતા જે તમામ ઓટીપી કેતને સામેવાળી વ્યક્તિને આપતાં તેણે એક બાદ એક કરીને 5,62,784 રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ 7 એપ્રિલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
શું છે કોલકત્તાનો કેસ?
કોલકત્તાના સોલ્ટ લેક વિસ્તારમાં એક વકીલે ફેબ્રુઆરી મહિનામાં 49 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદ કર્યો હતો. આ દુકાન કોલકત્તાના મિશન રો એક્સટેન્શન વિસ્તારમાં હતી અને ફોન ખરીદ થયો ત્યારે સંપૂર્ણ સીલ પેક હતો. સામાન્ય ગ્રાહકની જેમ વકીલે પણ જીએસટી બિલ લીધું અને ફોનને એકદમ નવો સમજીને પોતાની પત્નીને ગીફ્ટ કર્યો હતો પરંતુ થોડા જ દિવસ બાદ જેવો વકીલના પત્નીએ ફોન ચાલું કરી તેમાં સીમકાર્ડ નાખ્યું કે રાજકોટ પોલીસને જાણકારી મળી ગઈ હતી કે રાજકોટના વેપારી સાથે છેતરપિંડી કરવામાં જે ફોનનો ઉપયોગ થયો છે તે કોલકત્તામાં એક્ટિવ થયો છે. રાજકોટ પોલીસે ફોનનો આઈએમઈઆઈ નંબર ટ્રેક કરી મહિલા સુધી પહોંચી હતી. આ પછી વકીલ રાજકોટ અને કોલકત્તા પોલીસને લઈને હરે સ્ટ્રીટ પોલીસ મથક પહોંચ્યા હતા અને મોબાઈલ વેચનાર દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી દુકાનદાર ફરાર થઈ જતાં હવે તેની શોધખોળ ચાલી રહી છે.
મોટી ગેંગ જૂના ફોનને નવો કરીને વેચતી હોવાની આશંકા
પોલીસે ફોનને ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યો છે સાથે સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે કે આ એક જ ફોન આવો હતો કે અન્ય ફોનનો પણ આ પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે અથવા તો એવું કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવું જોઈએ જે ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયેલા મોબાઈલ ફોનને નવો બનાવીને વેચી રહ્યું છે. જો આવું ચાલી રહ્યું હોય તો ઘણી જ મોટો પર્દાફાશ થઈ શકે છે.
